ગાંધીનગર: જૂન મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન મધ્ય ગુજરાત વિસ્તાર માટે વડોદરામાં વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ-VGRC યોજાશે. જેમાં વિવિધ MoUની આપ-લે માટે એક મજબૂત મંચ પ્રદાન કરવા ઉપરાંત આ રિજનલ કોન્ફરન્સમાં વેન્ડર ડેવલપમેન્ટ પ્રોગ્રામ્સ, રિવર્સ બાયર-સેલર મીટ્સ, વેપાર પ્રદર્શનો અને સેક્ટર-સ્પેસિફિક પેવેલિયન જેવા કાર્યક્રમો પણ યોજાશે.
આ કોન્ફરન્સમાં ઔદ્યોગિક પ્રોજેક્ટ્સનું ઉદઘાટન, MSMES માટે એવોર્ડ્સ અને સમર્પિત B2B તથા B2G નેટવર્કિંગ સત્રો પણ યોજાશે. આ કાર્યક્રમમાં ઉદ્યમી મેળા, ઔદ્યોગિક અને પ્રવાસન સ્થળોની મુલાકાતો અને વૈશ્વિક ડાયસ્પોરા સાથે સંકળાયેલા આંતરરાષ્ટ્રીય ભાગીદારી કરારોનો પણ સમાવેશ થાય છે. સ્થાનિક ઉદ્યોગસાહસિકોને વૈશ્વિક રોકાણકારો સાથે જોડીને અને સમૃદ્ધ વારસા અને સંસ્કૃતિ તેમજ નવીનતાનું પ્રદર્શન કરીને વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC મધ્ય ગુજરાત ક્ષેત્રને એક્સપ્લોર કરવા માટે સમગ્ર વિશ્વને આમંત્રિત કરાશે. મધ્ય ગુજરાત પ્રદેશના વિવિધ GI ટેગવાળા ઉત્પાદનોને પ્રદર્શિત કરીને, વડોદરા ખાતે યોજાનારી આગામી VGRC પરંપરાગત કારીગરો અને ઉદ્યોગ સાહસિકોને એક વૈશ્વિક મંચ પૂરો પાડશે, જેના થકી તેઓને સીધા આંતરરાષ્ટ્રીય બજારો સાથે જોડી શકાશે. આ રિજનલ કોન્ફરન્સમાં મધ્ય ગુજરાતના એવા પરંપરાગત હસ્તકલા ઉત્પાદનોને વિશેષ સ્થાન મળવાની શક્યતા છે. જેઓને પહેલેથી જ ભૌગોલિક સંકેત (GI) ટેગ પ્રાપ્ત થયો છે અથવા GI ટેગ માટે નોંધણીની પ્રક્રિયામાં છે.

