વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત અને વડાપ્રધાન મોદી માટે એક ખાસ સંદેશ મોકલ્યો છે. ટ્રમ્પે રવિવારે ભારતમાં અમેરિકન રાજદૂત સર્જિયો ગોરને ફોન કર્યો હતો. આ પ્રસંગે ટ્રમ્પે કહ્યું કે તેઓ પીએમ મોદી અને ભારતને ખૂબ જ પ્રેમ કરે છે. ટ્રમ્પે આ વાત અમેરિકાની 250મી આઝાદીના અવસર પર કહી છે. જ્યારે તેમનો ફોન આવ્યો, ત્યારે ગોર દિલ્હીસ્થિત અમેરિકી દૂતાવાસમાં આયોજિત અમેરિકાના સ્વતંત્રતા દિવસ સમારોહમાં ભાગ લઈ રહ્યા હતા.ટ્રમ્પે ભારત અને ભારતના ટોચના નેતા પ્રત્યેનો પોતાનો ઊંડો લગાવ વ્યક્ત કર્યો હતો.
ગોરે કહ્યું કે ટ્રમ્પ અને મોદીના નેતૃત્વમાં અમેરિકા અને ભારતની ભાગીદારી વધુ ગાઢ બનશે. ગોરે કહ્યું કે, આ એક ખુલ્લી રણનીતિ છે અને ટ્રમ્પ તથા પીએમ મોદીના વ્યક્તિગત સંબંધો તેમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તેમણે આગળ કહ્યું કે, જ્યારે પણ હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે વાત કરું છું, ત્યારે પીએમ મોદી વિશે સારી વાતો સાંભળવા મળે છે. ગોરે જણાવ્યું કે રાષ્ટ્રપતિ દ્વારા પૂછવામાં આવતા પ્રથમ પ્રશ્નોમાંથી એક એ હોય છે ‘મારા મિત્ર, વડાપ્રધાન કેમ છે?’ તેમણે કહ્યું કે, આવું એટલા માટે છે, કારણ કે આ સંબંધ નવો નથી. આ સંબંધ માત્ર એક વર્ષ જૂનો નથી, પરંતુ ઘણો ઊંડો છે. સર્જિયો ગોરે આગળ કહ્યું કે બંને દેશો આર્થિક અને વ્યૂહાત્મક સહયોગના વિસ્તરણ પર મળીને કામ કરી રહ્યા છે. તમે જાણો છો, વહીવટીતંત્રમાં દરેક સાથે અમારો સીધો સંપર્ક છે, પરંતુ અમારા રાષ્ટ્રપતિ માટે આ ભાગીદારી બજારને ખોલનારી છે, ઈનોવેશનને પ્રોત્સાહન આપે છે અને અમેરિકનો તથા ભારતીયો બંને માટે સારી નોકરીઓનું સર્જન કરે છે.

