ડાઉન સિન્ડ્રોમથી પીડિત ‘મંત્ર’ બન્યો ગુજરાતનો પ્રથમ મનોદિવ્યાંગ ગ્રેજ્યુએટ

પેરા ઓલિમ્પિકમાં 2 ગોલ્ડ મેડલ સાથે PMના હસ્તે ’બાળ પુરસ્કાર’નું બહુમાન મેળવ્યું

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

રાજકોટઃ 23 વર્ષીય મનોદિવ્યાંગ યુવક મંત્ર હરખાણીએ સાબિત કરી બતાવ્યું છે કે, પંગુતા માત્ર શારીરિક કે માનસિક હોઈ શકે, ઇરાદા પૂર્ણ કરવા માટે તેને હરાવી પણ શકાય છે. જન્મથી જ ‘ડાઉન સિન્ડ્રોમ’ (Down Syndrome) નામની ગંભીર જિનેટિક પરિસ્થિતિ સામે લડતો મંત્ર તમામ સામાજિક-શારીરિક પડકારોને માત આપી ગુજરાતનો પ્રથમ મનોદિવ્યાંગ ગ્રેજ્યુએટ બન્યો છે.
મંત્રની અવિરત મહેનત
મંત્રની આ અસાધારણ સફળતા પાછળ તેની માતા બીજલબહેન હરખાણીનો સંઘર્ષ અને માતૃત્વનો અતૂટ વિશ્વાસ છુપાયેલો છે. ડાઉન સિન્ડ્રોમ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક સામાન્ય વ્યક્તિ કરતાં 50 ટકા ઓછો હોય છે, જેના કારણે મંત્રને શરૂઆતમાં ઘણી શાળાઓએ એડમિશન આપવા ઇનકાર કર્યો હતો. જો કે તેની માતાએ હિંમત ન હારી. તેમણે પોતે જ મનોદિવ્યાંગ બાળકો માટે 27 જેટલાં કાર્યલક્ષી અભ્યાસક્રમના વિશેષ પુસ્તકો તૈયાર કર્યાં. માતાના આ અનોખા ગાઇડન્સ હેઠળ મંત્રે પહેલાં ધોરણ-10 અને 12ની બોર્ડની પરીક્ષા પાસ કરી. ત્યારબાદ અમદાવાદની બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીથી ગુજરાતી વિષય સાથે બેચલર ઓફ આર્ટ્સની પદવી મેળવીને ઇતિહાસ રચી દીધો છે. કોલેજ બાદ મંત્રની માસ્ટર ડિગ્રી મેળવવાની ઇચ્છા છે. આ સિવાય તેણે સરકારી નોકરી માટે અનિવાર્ય ગણાતી કોમ્પ્યુટરની CCC પરીક્ષા પણ તાજેતરમાં જ પાસ કરી લીધી છે.
મંત્ર આંતરરાષ્ટ્રીય કક્ષાનો સ્વિમર પણ છે. મંત્રે પેરાઓલિમ્પિક સ્વિમિંગમાં 2 ગોલ્ડ મેડલ જીતી તિરંગો લહેરાવ્યો હતો. તેની અજોડ પ્રતિભા માટે વડાપ્રધાન મોદીના હસ્તે તેને પ્રતિષ્ઠિત ‘રાષ્ટ્રીય બાળ પુરસ્કાર’ આપીને સન્માનિત કરાયો હતો.


comments powered by Disqus