ડીઝલની અછતથી મીઠાઉદ્યોગને ફટકો, 1.50 લાખ લોકોની રોજીરોટી પર સંકટ

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

અમદાવાદઃ સિરામિક, ટેક્સટાઈલ, કેમિકલ, પ્લાસ્ટિક, હોટેલ અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ બાદ હવે ઈંધણની કટોકટી હજારો અગરિયાઓની મહેનત અને મીઠા ઉદ્યોગને પણ લૂણો લગાડી રહી છે. કચ્છ, સુરેન્દ્રનગર, મોરબી, પાટણ જિલ્લાના અગરોમાં લાખો ટન પકવેલું મીઠું તૈયાર છે. પરંતુ ડીઝલની અછતના લીધે અગરોમાંથી માંડ 50 ટકા મીઠાનું પરિવહન થઈ રહ્યું છે. જેથી મીઠા ઉદ્યોગને 250 કરોડનો ફટકો તેમજ 50 હજારથી એક લાખ લોકોની રોજીરોટી પર સંકટ તોળાઈ રહ્યું છે.
એક બાજુ કચ્છના નાના રણ, સાંતલપુર, રાધનપુર, માળિયા, ખારાઘોડા, આડેસર, ધ્રાંગધ્રા, હળવદના ગામોમાં લાખો ટન મીઠું તૈયાર પડ્યું છે. પરંતુ ડીઝલની અછતની લીધે ટ્રાન્સપોર્ટના વાહનોની સંખ્યા લગભગ અડધી થઈ ગઈ છે. જેના લીધે મીઠાનું પરિવહન ઘટીને 50 ટકા થઈ ગયું છે. માત્ર કચ્છમાં જ વર્ષે 60 લાખ ટન મીઠાનું ઉત્પાદન થતું હોય છે. ત્યારે મીઠાનો જથ્થો પડ્યો રહેતા અગરિયા બીજું મીઠું પકવી શકતા નથી. ઉપરાંત આગામી દિવસોમાં સ્થિતિ સુધરે નહીં તો પહેલાં વરસાદમાં જ લાખો ટન મીઠું ધોવાઈ જશે. સમયસર કારખાના સુધી મીઠું નહીં પહોંચે તો મીઠાના ઉદ્યોગને આશરે 250 કરોડનો ફટકો પડી શકે છે. તેમજ 8 મહિનાથી મીઠું પકવતા રાજ્યના 15 હજાર અગરિયાના પરિવાર સહિત 50 હજારથી એક લાખ લોકોની રોજીરોટી જોખમમાં મુકાશે.


comments powered by Disqus