દમણમાં રૂ. 97 કરોડના ખર્ચે બનેલું નવું ડોમેસ્ટિક એરપોર્ટ ટૂંકમાં ધમધમતું થશે

Wednesday 27th May 2026 06:57 EDT
 
 

દમણઃ સંઘપ્રદેશ દમણના નાની દમણ દરિયાકિનારા નજીક આકાર લઈ રહેલા નવા ડોમેસ્ટિક એરપોર્ટની કામગીરી હવે આખરી તબક્કામાં છે. આશરે રૂ. 97 કરોડના ખર્ચે નિર્માણ પામેલા આ હાઇટેક એરપોર્ટનું જૂન મહિનાના પ્રથમ સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી પ્રબળ શક્યતા છે, જેને પગલે હાલ વહીવટી તંત્ર દ્વારા જોરશોરથી તૈયારી ચાલી રહી છે.
સુરત એરપોર્ટ ઓથોરિટીના ડાયરેક્ટર આનંદ શર્માએ જણાવ્યું હતું કે, ‘દમણના આ નવા ડોમેસ્ટિક એરપોર્ટનું સંપૂર્ણ સંચાલન સુરત એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરાશે. મુસાફરોને આંતરરાષ્ટ્રીય સ્તરની આધુનિક સુવિધાઓ મળે તે માટે વિશેષ પ્લાનિંગ કરાયું છે. ટૂંક સમયમાં કાર્યરત્ થનારા એરપોર્ટ પર વેઇટિંગ રૂમમાં એકસાથે 180 મુસાફરો અને VIP રૂમમાં 16 લોકો બેસી શકે તેવી ક્ષમતા હશે. આ સિવાય મુસાફરોના ધસારાને પહોંચી વળવા 12થી 16 ચેકઇન કાઉન્ટર્સ અને 6 એરલાઇન્સ ઓફિસ હશે. મુસાફરો અહીં આવેલી 5 રિટેલ શોપ્સથી સ્થાનિક અને અન્ય વસ્તુઓની ખરીદી કરી શકશે. આ સિવાય 57 ફોરવ્હીલર અને 48 ટુ-વ્હીલરના પાર્કિંગ માટે પણ સુવ્યવસ્થિત આયોજન કરાયું છે.
હાલમાં આ એરપોર્ટનો રનવે 1800 મીટર લાંબો છે, જેના પર 72 સીટની ક્ષમતાનાં એટીઆર વિમાનો સરળતાથી ઉતરી શકશે. જો કે ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રનવેને વધુ 400 મીટર લંબાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ છે. આ કામગીરી પૂર્ણ થતાં જ અહીં એરબસ અને બોઇંગ જેવાં મોટાં એરક્રાફ્ટ અવરજવર કરી શકશે.
નવા એરપોર્ટની શરૂઆતથી દમણ સહિત દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડ અને પારડી જેવા વિસ્તારોને સીધો ફાયદો થશે. દમણ તેનાં બીચ અને હોટેલ-રિસોર્ટ માટે પ્રખ્યાત છે. એરપોર્ટ શરૂ થતાં મુંબઈ, દિલ્હી, અમદાવાદ જેવાં મેટ્રો શહેરોના પ્રવાસીઓ સીધા અહીં આવી શકશે. વાપી અને સરીગામ GIDCમાં હજારો, ઉદ્યોગો ધમધમે છે, તેને એર કનેક્ટિવિટી મળવાથી વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે બિઝનેસ મીટિંગ્સ સરળ બનશે.


comments powered by Disqus