મા નર્મદાના કિનારે વસેલાં તમામ ગામોમાં ધાર્મિક ઉત્સવોનું હંમેશાં એક અનોખ મહત્ત્વ હોય છે. ઝઘડિયાના ભાલોદ ગામે પવિત્ર નર્મદા નદીના કિનારે ‘ગંગા દશેરા’ પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ સાથે ભવ્ય ઉજવણી કરાઈ હતી. આ પાવન અવસરે સમગ્ર પંથક નર્મદામય અને ભક્તિમય બન્યો હતો. આ વર્ષે ગંગા દશેરાના પવિત્ર દિવસે ભક્તો દ્વારા મા નર્મદાને એક કિનારેથી સામેના બીજા કિનારા સુધી 350 મીટર લાંબી વિશાળ અને ભવ્ય ચૂંદડી અર્પણ કરવાનો અલૌકિક કાર્યક્રમ યોજાયો હતો. 350 મીટર લાંબી આ ચૂંદડીને નાવડીઓ (હોડીઓ) અને ભક્તોની માનવ સાંકળ દ્વારા નદીના એક છેડાથી બીજા છેડા સુધી લંબાવાઈ હતી. આ પ્રસંગે નર્મદાનાં નીર પર લહેરાતી આ ચૂંદડીનું દૃશ્ય એટલું ભવ્ય હતું કે, સાક્ષાત નર્મદા મૈયાએ ભક્તોની ભક્તિની ચૂંદડી સ્વીકારી ઓઢી લીધી હોય.

