સુરતઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 24 મેએ રવિવારે સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ નિર્મિત જમનાબા વિદ્યાર્થી ભવનનું લોકાર્પણ કર્યું હતું. એ પહેલાં મુખ્યમંત્રી બપોરે બે વાગ્યે ગાંધીનગરથી વંદે ભારત ટ્રેનમાં સફર કરીને સુરત પહોંચ્યા હતા. મુખ્યમંત્રીની સાથે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ પણ ટ્રેનમાં મુસાફરી કરી હતી, તો વિદ્યાર્થી ભવનના લોકાર્પણ કાર્યક્રમમાં દાતાઓનું સન્માન કરાયું હતું. ત્યારે મૃતક બિલ્ડર તુષાર ઘેલાણીના પરિવારનું પણ દાતા તરીકે સન્માન કરાયું હતું. આ સમયે સ્વ.તુષાર ઘેલાણીનાં પત્ની ભાવુક થઈ ગયાં હતાં અને તેમની આંખથી આંસુ સરી પડ્યાં હતાં.
પાટીદાર સમાજ ખેતી પૂરતો મર્યાદિત નહીં
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, પથ્થરને પણ કોતરીને પાણી કાઢવાની તાકાત ધરાવતો પાટીદાર સમાજ માત્ર ખેતી પૂરતો સીમિત નથી. પાટીદાર સમાજે દરેક ક્ષેત્રે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. વધુમાં કહ્યું હતું કે, વડાપ્રધાનની ઈંધણ બચતની અને સોનું ન ખરીદવાની અપીલનું પાલન કરવું એ ભવિષ્યમાં કામ લાગશે.
ઘેલાણીના પરિવારનું સન્માન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજે શાલ ઓઢાળી જમનાબા વિદ્યાર્થી ભવનની સ્મૃતિ ભેટ આપી બહુમાન કરાયું હતું., જ્યારે જમનાબા વિદ્યાર્થી ભવનમાં મુખ્ય દાતાઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. થોડા દિવસ પહેલાં આત્મહત્યા કરનારા બિલ્ડર તુષાર ઘેલાણીના પરિવારનું પણ મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું હતું. એ પહેલાં સૌરાષ્ટ્ર પટેલ સમાજે પણ સન્માન કર્યું ત્યારે સ્વર્ગસ્થ તુષાર ઘેલાણીનાં પત્ની ભાવુક થઈ ગયાં હતાં, કેમ કે સ્વર્ગસ્થ તુષાર ઘેલાણી દ્વારા પણ જમનાબા વિદ્યાર્થી ભવનમાં યોગદાન અપાયું હતું.

