પાટણ હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં 100થી 1000 વર્ષ જૂની 24 હજાર હસ્તપ્રત

Wednesday 27th May 2026 06:15 EDT
 
 

પાટણઃ રાજ્યમાં એકમાત્ર પાટણના હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિરમાં તાડપત્ર, કાગળ અને કાપડ પર લખાયેલી 100થી 1000 વર્ષ જૂની 24 હજાર હસ્તપ્રતનો સંગ્રહ છે. જ્ઞાનવારસાથી સમૃદ્ધ આ જ્ઞાનમંદિરની સ્થાપના ૫.પૂ. વિજયવલ્લભસૂરિશ્વરજી મહારાજ સહિતના મહારાજોની પ્રેરણાથી 7 એપ્રિલ 1939ના રોજ કરાઈ હતી, જેનું ઉદઘાટન કનૈયાલાલ મુન્શીના વરદ્હસ્તે થયું હતું. મુનિ પુણ્યવિજયજી મહારાજના ભગીરથ પ્રયાસોથી પાટણના 19 ગ્રંથભંડારને એકત્ર કરી આ જ્ઞાનમંદિરમાં સમાવાયા હતા, જેમાં 750 તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રત, કાપડ પર લખાયેલી બે સચિત્ર હસ્તપ્રત, ઇ.સ. 1064માં લખાયેલી સૌથી જૂની હસ્તપ્રત અને 85 સે.મી. લાંબી તાડપત્ર પર લખાયેલી હસ્તપ્રતનો સમાવેશ થાય છે.
અહીં સંગ્રહાયેલી સંખ્યાબંધ હસ્તપ્રત પૈકી કલ્પસૂત્ર, કાલિકાચાર્ય કથા, સિદ્ધહેમ શબ્દાનુશાસન વગેરે જૈન ચિત્રકલા અને પશ્ચિમ ભારતની ચિત્રશૈલીના ઉત્તમ નમૂના છે. આ પૈકી કેટલીક હસ્તપ્રત સુવર્ણ અને રજતાક્ષરી પણ છે. પાટણના જ્ઞાનમંદિરમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ, ગુજરાતી, હિન્દી સહિત અન્ય ભાષાની વિવિધ લિપિમાં આશરે 100 થી 1000 વર્ષ જૂની તાડપત્ર, કાગળ અને કાપડ પરની હસ્તપ્રત સચવાયેલી છે.
આ હસ્તપ્રતોમાં વિવિધ વિષય વૈવિધ્ય જોવા મળે છે, જેમાં ધર્મ, દર્શન, કાવ્ય, કથા, સાહિત્ય, અલંકારશાસ્ત્ર, નાટ્યશાસ્ત્ર, જ્યોતિષ, શિલ્પ, વ્યાકરણ અને વૈદિક વગેરે સાથે જૈનધર્મ સાહિત્ય ઉપરાંત હિન્દુ અને બૌદ્ધ સાહિત્યના ગ્રંથો પણ ઉપલબ્ધ છે. ગાયકવાડ ઓરિએન્ટલ સિરીઝના સંપાદનમાં પાટણની હસ્તપ્રતોનો મોટાપાયે ઉપયોગ કરાયો છે. આ હસ્તપ્રત પાટણ જ નહીં, સમગ્ર રાજ્યનું કીમતી સાહિત્ય હોઈ તેને ધનની માફક જ્ઞાનમંદિરમાં સાચવવામાં આવી રહ્યું અને વિશેષ વ્યવસ્થા પણ કરાઈ છે. આ સાથે તમામ હસ્તપ્રત સ્કેન કરી ડિજિટલ સ્વરૂપે કરી દેવાઈ છે. જે હરહંમેશ ઉપલબ્ધ રહેશે. 250 વર્ષમાં દેશ-વિદેશના અનેક પ્રખ્યાત વિદ્વાનો આ જ્ઞાનમંદિરની મુલાકાત લઈ ચૂક્યા છે.


comments powered by Disqus