નવી દિલ્હીઃ ભારતના 4 દિવસના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયો અને ભારતના પીએમ વચ્ચે શનિવારે એક કલાક લાંબી મંત્રણા યોજાઈ હતી. બંને નેતાઓએ ભારત અને અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોને વધારે મજબૂત બનાવવા પર ભાર મૂક્યો હતો. મંત્રણામાં સંરક્ષણ સહયોગ, દ્વિપક્ષીય વેપાર, ઇન્ડો પેસિફિક સુરક્ષા, AI ટેક્નોલોજી માટે સહયોગ જેવા મુદ્દા ચર્ચાયા હતા. રૂબિયોએ ભારત અમેરિકા પાસેથી વધુમાં વધુ ક્રૂડ ઓઇલ ખરીદે તેવી ઓફર કરી હતી. બેઠકમાં ભારતના વિદેશમંત્રી જયશંકર તેમજ NSG અજિત ડોવાલ હાજર રહ્યા હતા. છેલ્લા એક-દોઢ વર્ષથી ભારત અને અમેરિકાના સંબંધોમાં કડવાશ આવી છે, ત્યારે રૂબિયોની મુલાકાતને ડેમેજ કંટ્રોલ તરીકે મૂલવવામાં આવી રહી છે. રૂબિયો અને મોદી વચ્ચેની મંત્રણામાં સંરક્ષણ સહયોગ, વેપાર અને ઈન્ડો પેસિફિકની સુરક્ષા સહિત રશિયા-યુક્રેન યુદ્ધ અને ઈરાન યુદ્ધના મુદ્દા ચર્ચાયા હોવાની ધારણા છે.
બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગ
રૂબિયોના ભારત પ્રવાસ સાથે બંને દેશો વચ્ચે ઊર્જા સહયોગ વધારે ગાઢ બનાવવાનો મુદ્દો ચર્ચાયો. અમેરિકા ભારતને વધુમાં વધુ ક્રૂડ ઓઇલ અને ગેસ વેચી શકે તે બંને દેશ માટે વિન-વિન પોઝિશન હશે તેમ રૂબિયોએ કહ્યું હતું. ભારતની ઊર્જા જરૂરિયાતો અને વૈશ્વિક ઓઇલ સપ્લાયના સંદર્ભે તેમણે ભારતને મહાન ભાગીદાર અને સહયોગી દેશ ગણાવ્યો હતો.
લાંબા સંબંધની રૂબિયોએ આશા સેવી
માર્કો રૂબિયોએ જણાવ્યું છે કે ભારત અને અમેરિકા જેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે તેવા બંને દેશો વચ્ચેના વેપાર કરાર ટૂંક સમયમાં શરૂ થઈ શકે છે. આ વેપાર કરાર લાંબા સમય સુધી ટકી રહેનારો અને બંને દેશો માટે લાભદાયી હશે. રૂબિયોએ રવિવારે હૈદરાબાદ હાઉસમાં ભારતના વિદેશમંત્રી એસ. જયશંકર સાથે વેાપાર, મહત્ત્વપૂર્ણ ખનિજો, ઊર્જા અને સંરક્ષણ સહિત વિવિધ દ્વિપક્ષી મુદ્દાઓ પર પ્રતિનિધિમંડળ સ્તરની વ્યાપક મંત્રણા બાદ સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધતાં કહ્યું હતું કે ગત વર્ષે ટેરિફને કારણે બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા હતા, પરંતુ હવે ભારત-અમેરિકા સંબંધોનો ગ્રાફ ફરી ઊંચો જઈ રહ્યો છે.
રૂબિયોની અમેરિકા ફર્સ્ટ વિઝા પ્લાનની જાહેરાત
ભારત પ્રવાસે આવેલા અમેરિકન વિદેશમંત્રીએ નવા અમેરિકન દૂતાવાસ સપોર્ટ એનેક્સ બિલ્ડિંગમાં એક સમારંભને સંબોધતાં કહ્યું હતું કે, અમેરિકા એક નવો કાર્યક્રમ અમેરિકા ફર્સ્ટ વિઝા રજૂ કરવા જઈ રહ્યું છે. તેનો આશય વ્યવસાયિક પ્રોફેશનલ્સને પ્રાથમિકતા આપવાનો છે, જેથી દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવી શકાય.
મોદીનો વિશ્વને શાંતિનો સંદેશ
અમેરિકાના કૂટનીતિક વલણ સામે ભારતના પીએમ મોદીએ વૈશ્વિક મુદ્દા પર ભારતની નીતિ અને વલણને સ્પષ્ટ કર્યું હતું. તેમણે કહ્યું કે, ભારત હંમેશાં શાંતિના પ્રયાસો સાથે મજબૂતીથી ઊભું રહ્યું છે. તમામ આંતરરાષ્ટ્રીય વિવાદોનું સમાધાન યુદ્ધથી નહીં પણ વાતચીત અને ફૂટનીતિથી લાવવું જોઈએ. મોદીએ ટ્રમ્પને ભારત વતી શુભકામના પાઠવતાં બંને દેશો વચ્ચેના ગાઢ મિત્રતાભર્યા સંબંધોનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ ટ્વીટ કર્યું હતું કે, બેઠકમાં ભારત અને અમેરિકા વચ્ચે વૈશ્વિક વ્યૂહાત્મક ભાગીદારીમાં પ્રગતિ થઈ રહી છે.
અમેરિકાના વિદેશમંત્રીનું વડાપ્રધાનને આમંત્રણ
અમેરિકાના વિદેશમંત્રી માર્કો રૂબિયોએ તેમની ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અમેરિકા આવવા આમંત્રણ પાઠવ્યું. રૂબિયોએ કહ્યું કે, ભારત અને અમેરિકા સંબંધો ખૂબ મહત્ત્વના માનવામાં આવે છે. ફેબ્રુઆરી 2025માં વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બાદ આ પ્રથમ ઉચ્ચસ્તરીય બેઠક હતી, જેમાં અમેરિકન વિદેશમંત્રી ભારતના પ્રવાસે આવ્યા છે. વિદેશમંત્રી બન્યા બાદ માર્કો રૂબિયોની આ પ્રથમ ભારત
મુલાકાત છે.
રૂબિયોએ તાજમહેલ, આમેરનો કિલ્લો નિહાળ્યો
અમેરિકી વિદેશમંત્રી માર્કો રૂબિયો સોમવારે સવારે તેમનાં પત્ની જેનેટ રૂબિયો સાથે તાજમહેલ નિહાળવા આગ્રા પહોંચ્યા હતા. રૂબિયોએ ત્યાંની વિઝિટર બુકમાં લખ્યું હતું કે, ‘વિશ્વમાં પ્રેમના સૌથી ખૂબસૂરત ખજાના પૈકી એકને નિહાળવાની તક આપવા બદલ આભાર’. આગ્રાથી રૂબિયો દંપતી ગુલાબી નગરી જયપુર પહોંચ્યું હતું, જ્યાં તેમણે આમેરના કિલ્લાનો શાહી વૈભવ નિહાળ્યો હતો.
રૂબિયો દ્વારા અમેરિકન ઇમિગ્રેશનનો બચાવ
ભારતના પ્રવાસે આવેલા અમેરિકાના વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ ભારતીયોના રિજેક્ટ થતા વિઝા અને ગ્રીનકાર્ડ મળવામાં પડતી તકલીફો અંગે જણાવ્યું હતું કે, અમારા દેશમાં બે કરોડ લોકો ગેરકાયદે ઘૂસી આવ્યા છે. આ બતાવે છે કે અમારી ઇમિગ્રેશન સિસ્ટમમાં ખામી છે. અમે આ ખામી દૂર કરી રહ્યા છીએ. અમારી ઇમિગ્રેશન સિસ્ટમ ઘણી જૂની છે અને તેને હવે વર્તમાન સ્થિતિ સાથે સુસંગત બનાવી રહ્યા છીએ. અમારી ઇમિગ્રેશન પ્રણાલિ ફક્ત ભારતીયોનો વિરોધ કરે છે તેવું નથી, પણ તે આખા વિશ્વ માટે છે. અમે અમારી ગ્રીનકાર્ડ સિસ્ટમમાં ઘણાં છીંડાં જોયાં છે, જેનો લાભ ઉઠાવીને લોકો ગેરકાયદે ઘૂસી જાય છે. તેના કારણે અમે ઇમિગ્રેશન પ્રણાલિ રિફોર્મ કરી રહ્યા છીએ. લાંબા સમયગાળે આ સિસ્ટમ ભારતીયો અને અમારા માટે વધુ કાર્યક્ષમ અને સારી પુરવાર થશે.

