નવી દિલ્હીઃ ભારતના પીએમ મોદી અને સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસ વચ્ચે દિલ્હીના હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજાઈ હતી જેમાં બંને નેતાઓએ બંને દેશો વચ્ચેના સંબંધોને નવી મજબૂતી બક્ષવાની દિશામાં કામ કરવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. મોદીએ કહ્યું કે, બંને દેશો વચ્ચેની દોસ્તી ફક્ત મજબૂત જ નથી પણ ભવિષ્યની જરૂરિયાતોની સંભાવના અને જરૂરિયાતોને અનુરૂપ છે. બેઠકમાં વિદેશમંત્રી એસ. જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવાલ અને વિદેશ સચિવ વિક્રમ મિસરી સહિત ટોચના અધિકારીઓ હાજર રહ્યા હતા.
મોદીએ કહ્યું કે, બંને દેશો વચ્ચેના સંબંધોને નવી દિશા આપવા વ્યૂહાત્મક ભાગીદારીનાં સ્તર સુધી લઈ જવામાં આવી રહ્યાં છે. ગયા વર્ષે સાઇપ્રસના પ્રવાસ વખતે તેમનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું. આ સન્માનને ભારત ક્યારેય ભૂલશે નહીં. સાઇપ્રસ દ્વારા આપવામાં આવેલું સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત પ્રતિ સન્માન અને બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધોનું પ્રતીક છે.
ભાગીદારીનો આધાર શું?
મોદીએ કહ્યું ક,ે ભારત અને સાઇપ્રસની ભાગીદારી લોકતંત્ર, કાયદાનું શાસન અને બંને દેશોની સંપ્રભુતા તેમજ પ્રાદેશિક અખંડિતતાનાં સન્માન જેવાં સમાન મૂલ્યો પર આધારિત છે. ભારત હંમેશાં આ સિદ્ધાંતોને વળગી રહેશે. છેલ્લા એક દાયકામાં સાઇપ્રસ દ્વારા ભારતમાં કરાયેલું રોકાણ બમણું થયું છે, જે બંને દેશો વચ્ચે વિશ્વાસ વધી રહ્યાનો નિર્દેશ કરે છે. ભારત અને યુરોપિયન સંઘ ફ્રી ટ્રેડ એગ્રિમેન્ટના કારણે અનેક નવી આર્થિક સંભાવના ખૂલી છે. ભારત આગામી 5 વર્ષમાં આ રોકાણને ફરી બમણું કરવાનું લક્ષ્ય રાખે છે.
સંયુક્ત નિવેદન આપતાં મોદીએ વધુમાં કહ્યું કે યુક્રેનનો મુદ્દો હોય કે પશ્ચિમ એશિયાની સ્થિતિ, ભારત શાંતિ અને સંઘર્ષના ઝડપી સમાધાનના પ્રયાસોનું સમર્થન કરતું રહ્યું છે. વૈશ્વિક સમસ્યાનો સામનો કરવા આંતરરાષ્ટ્રીય સંસ્થાઓમાં સુધારાની જરૂર છે. સાઇપ્રસના રાષ્ટ્રપતિ નિકોસ ક્રિસ્ટોડોલિડેસે કહ્યું છે કે, તેમનું મુખ્ય ફોક્સ દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાનું અને ભારત તેમજ યુરોપિયન સંઘ વચ્ચે વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને આગળ લઈ જવાનું છે.
UPI નેટવર્ક સાઇપ્રસ પહોંચ્યું
ભારતનું યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) આગામી વર્ષથી સાઇપ્રસમાં કાર્યરત્ બનશે, જે યુરોપમાં ડિજિટલ પેમેન્ટ્સ વ્યવસ્થાનો મોટો વિસ્તાર ગણાશે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા સિબી જ્યોર્જે જણાવ્યું કે, સાઇપ્રસમાં UPI શરૂ થવું જૂન 2025માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત દરમિયાન થયેલી ચર્ચાઓના મુખ્ય પરિણામો પૈકી એક હતું. આ શરૂઆત NPCI ઇન્ટરનેશનલ પેમેન્ટ્સ લિમિટેડ અને યુરો બેન્ક સાઇપ્રસ વચ્ચે થયેલા સમજૂતી કરાર બાદ થઈ છે, જે ભારતના રિયલ ટાઇમ પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા સરહદપાર ચુકવણીઓને સરળ બનાવશે.

