જૂનાગઢઃ કૃષિ યુનિવર્સિટી અને વર્ષાવિજ્ઞાન મંડળના સંયુક્ત ઉપક્રમે 32મા વર્ષા વિજ્ઞાન પરિસંવાદનું આયોજન કરાયું હતું. જેમાં 47 આગાહીકારોએ આગામી ચોમાસા અંગે પોતાની આગાહી રજૂ કરી હતી. જેનું એક એવું સર્વગ્રાહી તારણ નીકળ્યું છે કે, આ વર્ષે રાજ્યમાં ચોમાસું 10થી 12 આની રહેશે અને કુલ 56 દિવસ વરસાદના રહેશે. આ વખતે જૂનના બીજા અને ચોથા અઠવાડિયામાં વાવણીલાયક વરસાદ પડશે, અને 15 ઓક્ટોબરે ચોમાસું વિદાય લેશે. એટલે કે સરેરાશ 75 ટકા વરસાદની આગાહી કરાઈ છે.
બે તબક્કામાં વાવણીનું આયોજન કરી શકાશે
આગાહીકારોએ માત્ર અટકળો નહીં, પરંતુ સદીઓ જૂની જ્યોતિષ વિદ્યા અને પ્રાકૃતિક સંકેતોનો અભ્યાસ કરી આ વિશ્લેષણ કર્યું છે. રોહિણી અને મૃગશીર્ષ ગ્રહોની સ્થિતિ, ભડલી વાક્યો, અખાત્રીજના પવનની દિશા, ટિંટોડીનાં ઇંડાં અને વનસ્પતિ પરનાં ફળ-ફૂલના નિરીક્ષણના આધારે આ વરતારો નક્કી કરાયો છે. વિશ્લેષણ મુજબ જૂન મહિનાના બીજા અને ચોથા સપ્તાહમાં વાવણીલાયક વરસાદના પ્રબળ યોગ છે, જેથી ખેડૂતો બે તબક્કામાં વાવણીનું આયોજન કરી શકશે.
ખેતી માટે ફાયદાકારક હોવાનો વરતારો
ચોમાસાના મુખ્ય મહિનાઓ ગણાતા જુલાઈ અને ઓગસ્ટમાં વરસાદનું પ્રમાણ ઘણું સારું રહેશે, જે ખેતીના પાક માટે ફાયદાકારક સાબિત થશે. જો કે સપ્ટેમ્બર મહિનામાં ખંડવૃષ્ટિ એટલે કે અમુક વિસ્તારોમાં જ વરસાદ જોવા મળશે અને 15 ઓક્ટોબર આસપાસ ચોમાસાની સત્તાવાર વિદાય થવાની શક્યતા દર્શાવાઈ છે. તદ્ઉપરાંત ચોમાસાના અંતિમ તબક્કામાં અને દિવાળી આસપાસ વાવાઝોડા અને માવઠાની પણ ભીતિ વ્યક્ત કરાઈ છે, જેને પગલે ખેડૂતોને પાછોતરા પાકના રક્ષણ માટે સાવચેત રહેવું પડશે. એકંદરે આ વર્ષનું ચોમાસું ખેડૂતો માટે આશાસ્પદ રહેશે. 14 અવલોકનકારોના મતે વર્ષ એકંદરે સારું રહેશે, જ્યારે 27 અવલોકનકારોના મતે વર્ષ મધ્યમ રહેશે. સરેરાશ જોવા જઈએ તો અવલોકન કરનારા તજજ્ઞો મુજબ ચોમાસું 10 આની કે 12 આની રહેવાની સંભાવના છે.

