‘વન નેશન – વન ઈલેક્શન’થી રૂ. 7 લાખ કરોડ બચશેઃ જેપીસી

Wednesday 27th May 2026 06:16 EDT
 
 

અમદાવાદ: ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલી જોઈન્ટ પાલમેન્ટરી કમિટીના ચેરમેને એજે દાવો કરતા જણાવ્યું હતું કે, 'વન નેશન - વન ઈલેક્શન'થી દેશના સાત લાખ કરોડ રૂપિયા બચી જશે! આ રકમ વિકાસ કામોમાં વાપરી શકાશે. એટલું જ નહીં તેના કારણે ભારતના જીડીપીમાં પણ 1.6 ટકા જેટલો વધારો થવાનો દાવો પણ કરાયો છે.
જેપીસીના સભ્યોએ ગુજરાતના ચીફ સેક્રેટરી સહિતના અધિકારીઓ, સત્તાપક્ષ ભાજપના પદાધિકારીઓ વગેરે સાથે બેઠક યોજી હતી. આ બેઠક બાદ જેપીસીના ચેરમેન પી.પી. ચૌધરીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, દેશમાં જો એકસાથે લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજાય તો રૂ. 7 લાખ કરોડ બચાવી શકાય તેમ છે. જેનો ઉપયોગ માળખાકીય સુવિધા, ગરીબોના કલ્યાણ, શિક્ષણ, આરોગ્ય અને જાહેર સુવિધાને લગતા કાર્યો માટે થઈ શકે છે.
તો સ્થાનિક મુદ્દાઓ દબાઈ જશે...
એકસાથે આખા દેશમાં ચૂંટણી યોજાય તો રાષ્ટ્રીય મુદ્દા હાવી થઈ જશે અને રાજ્યોના સ્થાનિક પ્રશ્નો દબાઈ જશે તેવા આક્ષેપો સાથે કોંગ્રેસ અને આપના નેતાઓ દ્વારા ગાંધીનગરમાં મળેલી જેપીસીની બેઠક સામે વન નેશન, વન ઈલેક્શન મુદ્દે વિરોધ કરાયો હતો.
2032માં માત્ર દોઢ વર્ષ માટે સરકાર રચાશે
એક દેશ-એક ચૂંટણીનો નિયમ 2034થી લાગુ પડે તેવી શક્યતા. આ સંજોગોમાં 2032ની વિધાનસભાની ચૂંટણી બાદ બનનારી સરકાર અલ્પજીવી હશે. આ સરકારને માત્ર દોઢ વર્ષ માટે જ સત્તા ભોગવવા મળે તેવું બની શકે. એક દેશ એક ચૂંટણી અભિયાન સાથે હાલ ગુજરાતમાં આવેલી સંયુક્ત સંસદીય સમિતિના અધ્યક્ષ પી.પી. ચૌધરીએ તેમની મુલાકાતમાં જણાવેલી બાબત પરથી આ નિષ્કર્ષ દર્શાવ્યો છે. ચૌધરીએ જણાવ્યું કે, એક દેશ એક ચૂંટણીની પ્રણાલીના પાલન માટે સિન્ક્રોનાઇઝ સિસ્ટમ લાગુ કરવી પડશે. તેમના કથન પ્રમાણે 2034માં યોજાનારી લોકસભા ચૂંટણી વખતે જે રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થોડા સમય પહેલાં યોજાઈ હશે, તેમાં નવેસરથી ચૂંટણી કરાવવાની થશે. આમ ગુજરાતમાં માત્ર બીજા જ વર્ષમાં નવેસરથી ચૂંટણી કરવી પડી શકે છે. ચૌધરીએ જણાવ્યું કે, મતદારો એટલા સમજદાર છે કે તેઓ લોકસભા, વિધાનસભા અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના મુદ્દાઓ વચ્ચે સ્પષ્ટ ભેદ કરી શકે છે.


comments powered by Disqus