ખાવડા નજીક રણ સરહદને પાર કરતો પાકિસ્તાની શખ્સ ઝડપાયો

Wednesday 28th January 2026 05:12 EST
 
 

ભુજઃ ખાવડા નજીક ભારત-પાકિસ્તાનની બોર્ડર વિસ્તારથી પાકિસ્તાની ઘૂસણખોરને બીએસએફ દ્વારા પકડી લેવાયો હતો, જેને પકડીને ખાવડા પોલીસને સુપરત કરાયો હતો. ખાવડા પોલીસે તેને જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટરમાં મોકલી આપ્યો હતો.
ખાવડા પોલીસ સ્ટેશનથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર બીએસએફની ટીમે પેટ્રોલિંગ દરમિયાન 23 જાન્યુઆરીએ સવારે 8:30 વાગ્યે બીઓપીના બોર્ડર પિલ્લર નં. 1072થી 1077 વચ્ચેથી અંદાજિત 50 વર્ષીય પાકિસ્તાની શખ્સને ઝડપી પાડ્યો હતો. બોર્ડર સિક્યોરિટી ફોર્સ દ્વારા કરાયેલી પ્રાથમિક તપાસમાં તેની પાસેથી કંઈ જ મળી આવ્યું નહોતું. બીએસએફ દ્વારા પાકિસ્તાની શખ્સને ખાવડા પોલીસને સુપરત કરાયો હતો. ખાવડા પોલીસે જાણવા જોગ નોંધ દાખલ કરીને વધુ પૂછપરછ તેમજ તપાસ માટે તેને જોઇન્ટ ઇન્ટ્રોગેશન સેન્ટર ખાતે મોકલી આપ્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં નામ-સરનામાં સહિતની માહિતી મેળવવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તે શખ્સ માનસિક વિકલાંગ હોવાથી કંઈ સમજતો કે બોલતો નથી તેવું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ સરહદ વિસ્તારથી પાકિસ્તાની યુગલ પકડાયું હતું. તેઓ કાદવ અને રણની મુશ્કેલી સહન કરીને ભારતમાં ભાગી આવ્યાં હતાં. 26મી જાન્યુઆરી પૂર્વેની ઘટનાથી દરેક એજન્સી એલર્ટ પર છે.


comments powered by Disqus