25 જાન્યુઆરીએ નર્મદા જયંતીના પાવન પર્વે નર્મદા કિનારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. ભરૂચના માંગરોળ ખાતે ગ્રામજનો દ્વારા મા રેવાને 1500 ફૂટ લાંબી ચૂંદડી અર્પણ કરી વિશ્વ કલ્યાણની પ્રાર્થના કરાઈ હતી. નર્મદા જયંતી નિમિત્ત ચૂંદડી માંગરોળના કિનારેથી સામે પાર રીંગણી ગામના કિનારા સુધી અર્પણ કરાઈ હતી. આ ભવ્ય આયોજનમાં 1000થી વધુ શ્રદ્ધાળુઓ જોડાયા હતા. નદીની મધ્યધારામાં 15 જેટલી નાવડીની મદદથી સાડીને એક છેડેથી બીજા છેડા સુધી ફેલાવી માતાજીને ઓઢાડવામાં આવી હતી. વિશેષ વાત એ છે કે, અર્પણ કર્યા બાદ આ સાડી પરત લેવાવી હતી, જે હવે પ્રસાદી સ્વરૂપે ગ્રામજનોમાં વહેંચવામાં આવશે. મંત્રોચ્ચાર અને ‘નર્મદે સર્વદે’ના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગૂંજી ઊઠ્યું હતું.

