પત્નીની ગોળી મારી હત્યા કર્યા બાદ યશરાજસિંહે જીવન ટુંકાવ્યુંઃ બે મહિના પહેલાં જ પરણ્યાં હતાં

Wednesday 28th January 2026 05:13 EST
 
 

અમદાવાદઃ જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં 21 જાન્યુઆરીએ રાત્રે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ ગોહિલે ઇમર્જન્સી સેવા 108ને તેની પત્ની રાજેશ્વરીને અકસ્માતે ગોળી વાગી હોવાનો કોલ કર્યો હતો. આ કોલના પગલે ઘટનાસ્થળે પહોંચેલી 108ની ટીમે રાજેશ્વરીને મૃત જાહેર કરતાં યશરાજે પોતાની જાતને માથામાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી હતી. જે અંગે અંતે યશરાજ સામે જ હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.
યશરાજ અને રાજેશ્વરીનાં લગ્ન 2 મહિના પહેલાં જ થયાં હતાં. દંપતી જમવા માટે સબંધીના ઘરે ગયું હતું, જમીને ઘરે પરત આવ્યા બાદ આ બનાવ બન્યો હતો. યશરાજે 108ની ટીમને જણાવ્યું હતું કે રિવોલ્વર કવરમાંથી કાઢતાં ફાયર થયું અને દુર્ઘટના સર્જાઈ.
શું કહ્યું પ્રત્યક્ષદર્શીએ?
108 ઇમર્જન્સી સેવાના EMTએ જણાવ્યું કે, હું પહોંચ્યો ત્યારે બેડરૂમમાં યશરાજનાં પત્ની લોહીલુહાણ પડેલાં હતાં. મેં યશરાજસિંહને ઘટના અંગે પૂછયું હતું, ત્યારે તેણે મને કહ્યું કે, કવરમાંથી પિસ્તોલ કાઢવા જતાં ભૂલથી ફાયરિંગ થયું છે. કોલ સેન્ટરમાં જાણ કરવા હું બહાર આવ્યો કે તુરંત યશરાજે પોતાના માથામાં ગોળી મારી આપઘાત કરી લીધો હતો. અંતે યશરાજસિંહ અને તેનાં પત્નીનાં મોત અંગે યશરાજસિંહ સામે જ હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.


comments powered by Disqus