નવી દિલ્હીઃ સોમવારે UAE ના પ્રેસિડેન્ડ શેખ મોહંમદ બિન ઝાયદ અલ નાહ્યાન બે કલાકની ભારતની મુલાકાતે આવ્યા હતા. તેમની ટૂંકા ગાળાની મુલાકાત વચ્ચે બંને દેશો વચ્ચે 7થી 8 મહત્ત્વના કરાર કરાયા હતા. રાજકીય વર્તુળોમાં ચર્ચા થઈ રહી છે કે, ભારત અને UAE વચ્ચે અણુકરાર કરાયા છે, જે હેઠળ ભારત દ્વારા UAEને ન્યુક્લિયર અમ્બ્રેલા આપવામાં આવશે. આ કરારમાં અણુસુરક્ષા તેમજ ઓપરેશન અંગે જોગવાઈ કરાઈ છે. બીજી રીતે કહીએ તો તેને પરમાણુ સુરક્ષા કવચ આપવાની વાત છે. ભારત તેની સરહદોની બહારના દેશને અણુ સુરક્ષા કવચ પૂરું પાડે તેવી આ પહેલી ઘટના છે. આને કારણે પાકિસ્તાન અને સાઉદી અરેબિયાની ચિંતા વધી છે.
બંને દેશો સાથે મળીને કામ કરશે
પીએમઓના નિવેદન મુજબ બને દેશો એડવાન્સ ન્યુક્લિયર ટેક્નોલોજી પર સાથે કામ કરશે. સાથે મળીને નાના મોડ્યુલર રિએક્ટર્સ બનાવશે અને તેનો ઉપયોગ કરશે. એડવાન્સ રિએક્ટર સિસ્ટમ તેમજ અણુ પાવર પ્લાન્ટનું સંચાલન અને મેઇન્ટેનન્સ પણ કરશે. ખાસ કરીને ન્યુક્લિયર સેફટીની ચર્ચા વધારે છે, જે હેઠળ અણુ પ્લાન્ટને ચેર્નોબિલ કે ફુકુસીમા જેવી ઘટનાથી બચાવવા અને રેડિએશન લીક થાય તો તેને રોકવા તથા પરમાણુ કચરાનો નિકાલ કરવાની વાત છે. UAE પાસે બરાકાહ અણુ પ્લાન્ટ પ્લાન્ટ છે. ભારત પાસે 50 વર્ષનો અનુભવ છે. આમ બંને દેશો એકબીજાને મદદ કરી શકે તેમ છે.
અમેરિકા સાથે ટકરાવ
યુએઈએ અમેરિકા સાથે 123 એગ્રિમેન્ટ કર્યા છે, જે હેઠળ યુરેનિયમ ન વિકસાવવા અને ફયુઅલ પ્રોસેસ ન કરવા ખાતરી અપાઈ છે. જો ભારતે સુરક્ષા કવચ આપ્યું હોય તો આ અમેરિકા સાથે ટકરાવ જેવી વાત થશે.

