ભોપાલઃ પ્રસિદ્ધ ભોજશાળા-કમાલ મૌલા મસ્જિદ પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા સાથે શુક્રવારે હજારો હિન્દુઓએ વસંત પંચમી નિમિત્તે પૂજા કરી, જ્યારે મુસ્લિમ સમુદાયના થોડાક લોકોએ નમાજ અદા કરી હતી. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર તંત્રએ 11મી સદીના સ્મારક પર હિન્દુ-મુસ્લિમ બંને સમુદાયોને અનુક્રમે પૂજા અને નમાજ અદા કરવા વ્યવસ્થા કરી હતી. આ માટે અંદાજે 8 હજાર જવાનોને તહેનાત કરાયા હતા. અસંખ્ય હિન્દુઓએ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી સરસ્વતી પૂજા કરી હતી. એ જ પરિસરમાં અન્ય સ્થળે મુસ્લિમોએ શુક્રવારની નમાજ અદા કરી હતી. કલેક્ટરે જણાવ્યું કે, કોર્ટના આદેશને અનુસરી બંને સમુદાય સાથે બેઠક યોજાઈ હતી અને વ્યવસ્થાની માહિતી અપાઈ હતી.

