મોરબી: મોરબીનો રહેવાસી સાહિલ માજોઠીએ રશિયા વતી યુદ્ધ લડતાં યુક્રેન સામે સરેન્ડર કર્યું હતું. જે મામલો દિલ્હી હાઇકોર્ટ સુધી પહોંચ્યો છે. દરમિયાન દિલ્હી હાઇકોર્ટમાં યુવાન વતી કેસ લડતાં વકીલ દીપા જોસેફે યુક્રેન જઈને યુવાનની મુલાકાત લીધી હતી. વકીલ દીપા જોસેફે જણાવ્યું હતું કે, યુદ્ધ ચાલુ છે અને યુદ્ધ કેદીઓ પકડાયા હોય તેને બંનેે યુદ્ધ લડનારા દેશો એક્સચેન્જ કરતા હોય છે. જો યુક્રેન તરફથી લિસ્ટમાં સાહિલનું નામ રશિયા મોકલાશે અને સાહિલ રશિયા જશે તો તેને ભારત પાછો લાવવો
મુશ્કેલ બનશે.
સાહિલનાં માતા હસીનાબેન માજોઠીએ રાજકોટ સાંસદ પુરુષોત્તમ રૂપાલા સાથે મુલાકાત કરી હતી. જે બાદ સાંસદ રૂપાલાએ વિદેશ મંત્રાલયને પત્ર લખીને હસીનાબહેનની મનોવ્યથા રજૂ કરી સાહિલને ભારત પરત લાવવા મંત્રાલય યોગ્ય પગલાં ભરે તેવો અનુરોધ કર્યો છે.

