સિદ્ધપુરઃ પાટણ અને સિદ્ધપુર વચ્ચે લુપ્ત થયેલી પવિત્ર સરસ્વતી નદીને પુનર્જીવિત કરવાના હેતુથી વસંત પંચમીના દિવસે વિશેષ પરિક્રમાનું આયોજન કરાયું હતું. પાટણના આનંદેશ્વર મહાદેવથી શરૂ થયેલી આ યાત્રામાં મોટી સંખ્યામાં સાધુ-સંતો, ગ્રામજનો અને અગ્રણીઓ જોડાયા હતા. આ પદયાત્રા દ્વારા નદીના પુનરોદ્ધાર અને જનજાગૃતિ માટે ‘માતાજી ધરા અવતરણ’નો સંકલ્પ લેવાયો હતો.
નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ
પ્રાચીન કાળમાં પાટણ અને સિદ્ધપુર વચ્ચે સરસ્વતી નદી વહેતી હતી, જેનો આધ્યાત્મિક અને ઐતિહાસિક વારસો સમૃદ્ધ છે. ભૌગોલિક ફેરફારોના કારણે આ નદી વર્ષોથી ભૂગર્ભમાં લુપ્ત થઈ ગઈ છે. તેના કિનારે અગાઉ અનેક ઋષિમુનિના આશ્રમો અને વિદ્યાકેન્દ્રો આવેલાં હતાં.
આ પવિત્ર વારસાની સ્મૃતિમાં અને નદીના પ્રવાહને ફરી જીવંત કરવાના હેતુથી આ પરિક્રમાનું આયોજન કરાયું છે. આશરે 17 થી 18 કિલોમીટર લાંબો આ રૂટ પાટણના પાલડી સ્થિત આનંદેશ્વર મહાદેવથી શરૂ થઈ પાલડી, સાગોડિયા, કુંતાવાડા, અજીમણા અને રૂણી જેવાં વિવિધ ગામોથી પસાર થશે.
સાધુ-સંતો સાથે મોટી સંખ્યામાં લોકો જોડાયા
આ પદયાત્રા દરમિયાન વચ્ચે આવતાં દરેક ગામમાં નદીના પુનરુદ્ધારનો સંદેશ ફેલાવવામાં આવ્યો. આ પરિક્રમામાં અંદાજે 100 થી 125 જેટલા સાધુ-સંતો, રાજકીય અગ્રણીઓ અને આસપાસનાં ગામોના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
નદી 365 દિવસ સતત વહેતી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ
આ આયોજનનો મુખ્ય સંકલ્પ સરસ્વતી નદી સિદ્ધપુરથી પાટણ સુધી 365 દિવસ સતત વહેતી રહે તે માટે વ્યાપક જનજાગૃતિ લાવવાનો છે. યોગીરાજ રુખડનાથજી મહારાજ, ભર્તુહરિ યોગપીઠમ્ ધીણોજનાએ જણાવ્યું હતું કે, વેદોમાં ‘નદીતમે’ એટલે કે ‘નદીઓમાં શ્રેષ્ઠ’ એવી ઉપમા ધરાવનાર મા સરસ્વતીને પુનઃ ધરાવતરણ માટે આ પરિક્રમા એ પરંપરાની પ્રતિષ્ઠાનું પ્રથમ પગથિયું છે.

