પ્રજાસત્તાક પર્વનું એ પહેલું કિરણ એક ઉત્સાહ સાથેનું હતું, પરંતુ કોને ખબર હતી કે આ ઉત્સાહનું વાતાવરણ થોડીવારમાં મરણચીસોમાં ફેરવાઈ જવાનું છે. બાળકો ધ્વજવંદન કરતાં, કેટલાક લોકો અન્ય કાર્યોમાં અને કેટલાક લોકો ઊંઘમાં જ મોતને ભેટી જવાના છે. આ તારીખ હતી 26 જાન્યુઆરી વર્ષ 2001ની, જ્યારે સવારે 8:46 વાગ્યે કચ્છમાં એ ભયાવહ ભૂકંપ આવ્યો જેની તીવ્રતા 7.6ની હતી. જો કે આ ગમખ્વાર ઘટના બાદ કચ્છના લોકો ખુમારી સાથે ઊભા થયા અને આજે તેમની આ જ ખુમારી તેમને વિશ્વફલક પર ચમકાવી રહી છે.
કચ્છમાં 26 જાન્યુઆરી 2001ની વહેલી સવારે લોકો પ્રજાસતાક દિવસની ઉજવણીમાં વ્યસ્ત હતા, ત્યારે 7.6ની તીવ્રતાથી આવેલો વિનાશક ભૂકંપ પળવારમાં હજારો ઇમારતો અને રાજ્યના 12,300 લોકોને ભરખી ગયો. આખું કચ્છ જાણે કાટમાળમાં ફેરવાઈ ગયું. આ ગોઝારા દિવસને 25 વર્ષ પૂરાં થયાં છતાં આ અંગે વિચારતાં લોકોનાં રુંવાડાં ઊભાં થઈ જાય છે. આ દિવસની ભયાવહતા ભૂલી શકાઈ જ નથી.
કચ્છની અનેક શાળાઓમાં વિદ્યાર્થીઓ ધ્વજવંદન માટે પહોંચ્યાં હતાં, જ્યાં કાટમાળ નીચે દટાતાં મોટી જાનહાનિ થઈ હતી. આવી સ્થિતિમાં ઘરે બેઠેલા વાલીઓ પોતાના જીવને બચાવવાની સાથે સ્કૂલમાં તેમનાં બાળકો અંગે ઊંડી ચિંતામાં મુકાઈ ગયા હતા. આ સ્થિતિ માત્ર ભૂકંપના એપિસેન્ટર ભચાઉ તાલુકાના ચોબારી ગામની જ નહોતી, સમગ્ર જિલ્લા અને રાજ્ય ઉપરાંત પાડોશી દેશ પાકિસ્તાનની પણ થઈ હતી.
26 જાન્યુઆરી 2001ના વિનાશકારી ભૂકંપ બાદ ગુજરાતનું કચ્છ-ભુજ જે પ્રકારે વિકાસ પામ્યું તે પોતાનામાં અનોખો કિસ્સો છે. આજે તે ગુજરાતનું શ્રેષ્ઠ પર્યટનસ્થળ બની ગયું છે. અહીંની હસ્તકલા, મીનાકારી, કપડાંનું છાપકામ તથા ધાતુનાં ઘરેણાં દેશ-દુનિયામાં પોતાની એક આગવી ઓળખ બનાવી ચૂક્યાં છે. કચ્છમાં ક્યાંક કુટિર ઉદ્યોગ તો ક્યાંક મોટા ઉદ્યોગ તથા કારખાનાં ચાલે છે. કંડલા તથા મુદ્રા પોર્ટના લીધે કચ્છ આજે ભારતનું પ્રવેશદ્વાર બની ગયું છે. કંડલા પોર્ટ ભારતનું એકમાત્ર પોર્ટ છે, જેને ફ્રી ટ્રેડની સુવિધા મળી છે.
કચ્છની હસ્તકલા, ભરતગૂંથણની આખી દુનિયા દીવાની છે. અહીંનાં ચણિયાચોળીએ ભારતનાં વિભિન્ન રાજ્ય જ નહીં અમેરિકા, બ્રિટન, રશિયા, ઓસ્ટ્રેલિયા સહિતના દેશોમાં પણ ગુજરાતની એક આગવી ઓળખ બનાવી છે. ગુજરાત સરકારે ભૂકંપ બાદ કચ્છમાં ઝડપથી વિકાસ કરવા હેન્ડિક્રાફ્ટ, વૂડન પ્રોજેક્ટ તથા પર્યટન માટે ખાસ પ્રચાર કર્યો. કચ્છને બેઠા કરવામાં ખેડૂતો અને પશુપાલકોએ પણ સિંહફાળો આપ્યો છે. જેના માટે તેમણે કોમર્શિયલ ઉત્પાદન તથા પાકની ટ્રેનિંગ લીધી. જેના પરિણામે પશુપાલકો આજે અહીં ગધેડી અને ઊંટના દૂધનું મોટાપાયે ઉત્પાદન કરે છે, તો ખેડૂતો કમલમ્ (ડ્રેગન ફ્રૂટ) અને કેસર કેરીનું વિપુલ ઓર્ગેનિક ઉત્પાદન કરી વિદેશોમાં પોતાના દેશનું નામ રોશન કરી રહ્યા છે. કચ્છ એકસમયે રણ માટે જાણીતું હતું, પરંતુ ભૂકંપ બાદ આજના સમયમાં લોકો કહી રહ્યા છે કે, ‘કચ્છ નહીં દેખા તો કુછ નહી દેખા.’
યુકેના એક વાંચક ધીરેનભાઈ પટેલે ભૂકંપ અંગેના પોતાના વર્ણન અંગે ગુજરાત સમાચારને પત્ર લખ્યો, જેમાં તેમણે જણાવ્યું કે, ‘મને યાદ છે કે 25 વર્ષ પહેલાં - બાળપણમાં મેં ભારતથી પાછા ફર્યા બાદ અહીંની શાળામાં કચ્છના ભૂકંપ અંગે જિયોગ્રાફિકલ પ્રોજેક્ટ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે મેં ગુજરાત સમાચાર દ્વારા પ્રકાશિત સમાચારોના કટિંગનો ઉપયોગ કર્યો હતો. આ પ્રોજેક્ટ માટે મને ઉચ્ચ ગ્રેડ મળ્યો હતો અને શિક્ષકો મારા કાર્યથી ખુશ હતા.

