ગાંધીનગરઃ દાવોસમાં સ્વિટ્ઝર્લેન્ડના આયોજિત વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF) 2026માં ગુજરાતે વૈશ્વિક રોકાણકારો સમક્ષ સંભાવનાઓ નહીં પણ પરિણામનું મજબૂત રિપોર્ટ કાર્ડ રજૂ કર્યું છે.
ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાતે 19થી 23 જાન્યુઆરી દરમિયાન 58થી વધુ હાઈ ઇમ્પેક્ટ બેઠકો યોજીને સાબિત કર્યું કે, ગુજરાત હવે માત્ર ‘ફેક્ટરી’ નથી પણ ‘ઇનોવેશન હબ’ છે. દુનિયા અનિશ્ચિતતા સામે ઝઝૂમી રહી છે, ત્યારે ગુજરાતે ‘નીતિ-સ્થિરતા અને ઝડપી અમલીકરણ’ થકી ગ્લોબલ બિઝનેસ લીડર્સનો અતૂટ વિશ્વાસ જીત્યો છે. સેમિકંડક્ટર, એઆઇ, ગ્રીન હાઇડ્રોજન અને સ્પેસ ટેક્નોલોજી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક ભાગીદારી ગુજરાતને 500 બિલિયન ડોલરની અર્થવ્યવસ્થા તરફ લઈ જવા માઇલસ્ટોન બનશે. વડાપ્રધાનના વિઝન અને મુખ્યમંત્રીના માર્ગદર્શનમાં ગુજરાતે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, ‘વિશ્વને વિશ્વાસ જોઈએ છે અને ગુજરાત તે વિશ્વાસ ડિલિવર કરવા સક્ષમ છે.’
ગુજરાતે ટેક્નોલોજીના મોરચે ઇતિહાસ રજૂ કર્યો છે. NVIDIA, OpenAT અને માઇક્રોન જેવી કંપનીઓ સાથેની ચર્ચાએ સાબિત કર્યું કે, રાજ્ય હવે સેમિકંડક્ટર અને AI ઇકોસિસ્ટમમાં ભારતનું નેતૃત્વ કરવા સજ્જ છે. ઉત્પાદન જ નહીં પણ ‘ઈન્વેસ્ટેબલ બાય ડિઝાઇન’ના અભિગમ સાથે હાઇવેલ્યૂ અને હાઇસ્કિલ ઇકોસિસ્ટમ પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે.

