સાઈબર ફ્રોડથી રૂ. 826 કરોડ પડાવનારા સુરતની ગેંગના 8 આરોપી ઝડપાયા

Wednesday 28th January 2026 05:13 EST
 
 

અમદાવાદ: સુરતમાં 9 ડમી પેઢી-કંપની બનાવી, તેના પર 28 કરંટ અને 54 બચત ખાતાં ખોલાવી સાઇબર ફ્રોડના રૂ. 826 કરોડ પડાવનારા સુરતના 8 ગઠિયા પકડાયા છે. આ ટોળકીએ 1 વર્ષમાં 28 રાજ્યમાં 1229 ગુના આચર્યા ઉપરાંત લોકોના રૂ. 826 કરોડ આંગડિયા-હવાલાથી વિદેશ મોકલ્યા હતા. 1 લાખના ટ્રાન્ઝેક્શન પર રૂ. 1 હજાર લેખે રૂ. 8.26 કરોડ તો કમિશન લીધું હતું.
ડિજિટલ એરેસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ, લોન ફ્રોડ, ડિપોઝિટ ફ્રોડ, યુપીઆઇ તથા પાર્ટટાઇમ જોબના નામે છેતરપિંડી કરી પૈસા પડાવતી ટોળકીનાં 82 બેન્ક ખાતાં ઓળખાયાં હતાં. આ તમામ ખાતાં સામે ગુજરાતમાં 91 સહિત દેશમાં સાઇબર ફ્રોડના 1229 ગુના નોંધાયા હતા, જેમાં રૂ. 826 કરોડ પડાવવામાં આવ્યા હતા. એ પછી સાઇબર ક્રાઇમે તપાસ આદરી હતી.
91 ફરિયાદમાં 82 બેન્ક ખાતાંનો ઉપયોગ કરાયો હતો, જ્યારે તે બેન્ક ખાતાંમાં 54 બચત જ્યારે 28 જુદી-જુદી પેઢીના નામે કરંટ બેન્ક ખાતાં હતાં. આ પેઢીઓ અને બેન્ક ખાતાં સુરતનાં હોવાની માહિતીના આધારે સાઇબર ક્રાઇમની ટીમે સુરતમાં દરોડા પાડી 8 આરોપીની ધરપકડ કરી હતી. જેમાં અબ્દુલરબ ચામડિયા ચીન તથા કમ્બોડિયામાં બેઠેલા મુખ્ય આરોપીઓના સંપર્કમાં હતો. જ્યારે અન્ય આરોપીના નામે ડમી પેઢીઓ બનાવી બેન્ક ખાતાં ખોલાવાયાં હતાં.


comments powered by Disqus