દાહોદઃ શહેર અને જિલ્લાની સંસ્કૃતિના વારસાનું ગૌરવ હવે દાહોદ શહેરની 22 વર્ષીય રાજવી કડિયા બની છે. સાધારણ પરિવારની આ દીકરીએ પોતાની મહેનતથી ભારત સરકાર દ્વારા ‘નેશનલ યૂથ આઇકોન’નું બિરુદ મેળવ્યું છે. તેના પિતા મીઠાઈની દુકાનમાં નોકરી કરે છે અને માતા રસોઈ કામ કરે છે. રાજવીએ મર્યાદિત સંસાધનો વચ્ચે આંતરરાષ્ટ્રીય ફલક સુધી ઉડાન ભરી છે. ઇતિહાસ અને રાજનીતિ શાસ્ત્રમાં સ્નાતક રાજવીએ અત્યાર સુધી રાજ્ય સ્તરે 48 અને રાષ્ટ્રીય સ્તરે 18 વખત પ્રતિનિધિત્વ કર્યું છે.
શાળાજીવનથી સક્રિય રાજવીએ યુવા નેતૃત્વ અને સામાજિક ક્ષેત્રે 500થી વધુ પુરસ્કાર જીત્યા છે. વર્ષ 2025-26માં દિલ્હી ખાતે ‘વિકસિત ભારત યંગ લીડર ડાઇલોગ’માં દેશના ટોપ 20 વક્તાઓમાં પસંદ થઈ હતી. તેણે પ્રધાનમંત્રીના કાર્યક્રમમાં મંચ સંચાલન કરી સૌને પ્રભાવિત કર્યા હતા. રાજવીના વિચારોની પ્રશંસા ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ‘પરીક્ષા પે ચર્ચા’માં કરી છે.
રાજવી 48 વખત રાજ્યસ્તરે દાહોદનું પ્રતિનિધિત્વ અને 18 વખત રાષ્ટ્રીય સ્તરે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 500થી વધુ પુરસ્કાર મેળવ્યા ઉપરાંત રાજવી યુવા નેતૃત્વ, વક્તત્વ અને સામાજિક વિકાસ ક્ષેત્રે 650થી વધુ વખત સન્માનિત થઈ ચૂકી છે.

