નવી દિલ્હીઃ ભારત અને ચીન વચ્ચે સરહદ પર ફરી એકવાર તણાવ જોવા મળી રહ્યો છે. અરુણાચલ પ્રદેશમાં ઘણા સ્થળે બંને દેશોના સૈનિકો આમને-સામને આવી ગયા છે. ભારત-તિબેટ સરહદ પોલીસ (આઈટીબીપી)ના મહાનિર્દેશક શત્રુજિત કપૂરે આ વાતની પુષ્ટિ કરી છે. જુલાઈ મહિનાથી પૂર્વોત્તર સરહદ પર વધી રહેલા તણાવ અંગે પહેલીવાર કોઈ વરિષ્ઠ અધિકારીએ સત્તાવાર પુષ્ટિ કરી છે. ખાસ વાત એ છે કે સપ્ટેમ્બરમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગની ભારત યાત્રા અને બંને દેશો વચ્ચે ત્રણ તબક્કાની ઉચ્ચસ્તરીય વાતચીત થવા છતાં પણ આ ઘર્ષણ ખતમ થયું નથી.
રાજસ્થાનના અલવરમાં આયોજિત આઈટીબીપીના હિમવીર સન્માન સમારોહમાં કપૂરે જણાવ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં અરુણાચલ પ્રદેશમાં ઘણી જગ્યાએ સંઘર્ષની સ્થિતિ સર્જાઈ હતી અને તે અત્યારે પણ યથાવત્ છે. કપૂરે વધુમાં જણાવ્યું કે આઈટી બીપી પાસે કેટલાંક હથિયારો 50 વર્ષ જૂનાં છે, જ્યારે બીજી તરફ ચીને પોતાના હથિયારો અને સૈન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આધુનિકીકરણમાં મોટું રોકાણ કર્યું છે. તેથી પરંપરાગત પદ્ધતિઓથી તેનો મુકાબલો કરવો મુશ્કેલ બનશે.

