નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર વધુ એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. રવિવારે ખડગે પટણામાં એક કાર્યક્રમને સંબોધિત કરતા હતા, ત્યારે એક વ્યક્તિએ બૂમ પાડી કહ્યું કે, જ્યાં સુધી દેશમાં વિદ્રોહ નહીં થાય, ત્યાં સુધી મોદી સરકાર ક્યાંય નહીં જાય. તેના પર ખડગેએ મંચ પરથી કહ્યું કે, ‘મોદી શું? મોદીનો બાપ પણ જશે.’ આ પછી લોકોએ તે વ્યક્તિને માર માર્યો હતો.
મર્યાદાઓને નેવે મૂકી: શાહ
ખડગેના નિવેદન પર ગૃહમંત્રી અમિત શાહે વળતો પ્રહાર કર્યો હતો. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષે પીએમ મોદીના પિતા પર અણછાજતી ટિપ્પણી કરીને તમામ મર્યાદાને નેવે મૂકી દીધી છે. આ પહેલીવાર નથી જ્યારે કોંગ્રેસે મોદી કે તેમના પરિવારને અપશબ્દો કહ્યા હોય. ક્યારેક તેમની માતાને અપશબ્દો કહ્યા, ક્યારેક તેમને ‘મોત કા સૌદાગર’ કહ્યા, તો ક્યારેક ‘ચાયવાલા’ કહીને ગરીબીની મજાક ઉડાવી. કોંગ્રેસ દરરોજ અસભ્યતાની સીમા વટાવી રહી છે.
પહેલાં વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી
21 એપ્રિલ 2026ના રોજ ચેન્નાઈમાં તેમણે મોદીની તુલના આતંકવાદી સાથે કરી હતી, બાદમાં સ્પષ્ટતા આપી હતી. 27 એપ્રિલ 2023ના રોજ કર્ણાટકના કલબુર્ગીમાં મોદીને ઝેરી સાપ કહ્યા હતા. 29 નવેમ્બર 2022ના રોજ અમદાવાદમાં તેમણે મોદીની તુલના રાવણ સાથે કરી હતી.

