દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લા દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા

Wednesday 28th October 2026 06:31 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતના ચાર જિલ્લામાં ઓછા વરસાદના પગલે રાજ્ય સરકારે ખેડૂતો અને પશુપાલકોના હિતમાં રાહતલક્ષી નિર્ણય જાહેર કર્યો છે, જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોને પાકના નુકસાન સામે સહાય આપવાની જાહેરાત કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દુષ્કાળની સ્થિતિ અંગે ઉચ્ચસ્તરીય બેઠક બાદ રાહતનાં પગલાંની જાહેરાત કરતાં બે હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 8,500 સહાય આપવા જાહેરાત કરી હતી. બીજી તરફ રાજકોટ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ગીરસોમનાથ, જૂનાગઢ, છોટાઉદેપુર અને દાહોદ જિલ્લામાં પણ વરસાદની ઘટ છતાં તેમને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા નથી.
ગુજરાતમાં આશરે 8 વર્ષ બાદ ફરી દુષ્કાળની સ્થિતિને પગલે રાહત જાહેર કરાઈ છે. અગાઉ વર્ષ 2018માં 11 જિલ્લાના 51 તાલુકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા હતા. હવે 2026માં ઓછા વરસાદને ધ્યાનમાં રાખીને દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગરના અસરગ્રસ્ત વિસ્તારોના ખેડૂતો અને પશુપાલકોને રાહતનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે.
ઉલ્લેખનીય છે કે, ગતવર્ષે અતિવૃષ્ટિના કારણે 7 નવેમ્બર, 2025ના રોજ રાજ્ય સરકારે પાક નુકસાની માટે રૂ. 10 હજાર કરોડના ઇતિહાસના સૌથી મોટા કૃષિપેકેજની જાહેરાત કરી હતી. આ સહાય પિયત અને બિનપિયત માટે એકસમાન ધોરણે તમામ પાક માટે 2 હેક્ટરની મર્યાદામાં પ્રતિ હેક્ટર રૂ. 22 હજાર હતી. જો કે આ વખતે વરસાદ ન હોવા છતાં સહાયની રકમ ગત વર્ષ કરતાં ઘણી ઓછી છે, જેથી ખેડૂતોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે.
પશુપાલકોને રૂ. 2 કિલોના ભાવે ઘાસચારો
ઓછા વરસાદના કારણે પશુઓ માટે ઘાસચારાની અછત ઊભી ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પશુપાલકોને માત્ર રૂ. 2 પ્રતિકિલોના રાહતદરે ઘાસચારો આપવાની વ્યવસ્થા ચાલુ રખાશે. અત્યાર સુધી 1.21 કરોડ કિલો ઘાસચારાનું વિતરણ કરાયું છે.
દુષ્કાળગ્રસ્ત તાલુકાને 2 મહિના સહાય
દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાઓમાં પશુઓ માટે આગામી બે મહિના સુધી સહાય યોજના અમલમાં રહેશે. બે મહિના બાદ પણ જો સહાયની જરૂરિયાત ઊભી થશે તો પરિસ્થિતિની સમીક્ષા કરીને સરકાર આગળનો નિર્ણય લેશે.
ગ્રામીણોને 150 માનવદિવસની રોજગારી
દુષ્કાળની સ્થિતિમાં ગ્રામીણ વિસ્તારોના લોકોને રોજગારી મળી રહે અને તેમની આજીવિકા પર અસર ઓછી થાય તે માટે સરકારે 150 માનવદિવસની રોજગારી આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયનો અમલ વર્ષ 2026થી કરાશે.


comments powered by Disqus