નવી દિલ્હીઃ રાહુલ ગાંધી દ્વારા ચૂંટણીપંચના વિરોધ અને કથિત મતચોરીના વિરોધમાં 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાન ખાતે મહારેલીનું આયોજન કર્યું છે, જેમાં કોંગ્રેસ સહિતના વિપક્ષના નેતાઓ સામેલ થવાના છે. ઉલ્લેખનીય છે કે આ તારીખ શીખ સમુદાય માટે સંવેદનશીલ હોવાથી રાહુલની આ રેલીની ટીકા થઈ રહી છે.
ભાજપના વરિષ્ઠ નેતા અને સાંસદ રવિશંકર પ્રસાદે શનિવારે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી દ્વારા 1 નવેમ્બરે દિલ્હીમાં યોજાનારી રેલીની ટીકા કરી છે. તેમણે કહ્યું કે, આ તારીખ શીખ સમુદાય માટે સંવેદનશીલ છે. 1 નવેમ્બર 1984ના રોજ દિલ્હી સહિતનાં શહેરોમાં શીખવિરોધી રમખાણો થયાં હતાં, જેમાં શીખ સમુદાયને મોટાપાયે નિશાન બનાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં ઇન્ડિયા ગઠબંધને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર તેમજ મતદાર યાદી એસઆઇઆર કામગીરીમાં કહેવાતી અનિયમિતતા સામે વિરોધ નોંધાવવા 1 નવેમ્બરે દિલ્હીના રામલીલા મેદાનમાં એક મોટી રેલીનું આયોજન કર્યું છે.
હવે નવી દિલ્હીમાં ભાજપ મુખ્યાલયે એક પત્રકાર પરિષદને સંબોધન કરતાં રવિશંકર પ્રસાદે સવાલ ઉઠાવ્યો છે કે, ‘રાહુલ ગાંધી તે દિવસે વિરોધ રેલીનું આયોજન શા માટે ઇચ્છી રહ્યા છે? કોંગ્રેસના નેતાઓ શીખોના ઘા પર મીઠુ ભભરાવવા માગે છે. રાહુલ અરાજકતાવાદી અને માઓવાદી વિચારસરણી ધરાવે છે.’
રાહુલની આ રેલીનો વિરોધ વેપારીઓ દ્વારા પણ નોંધાવાયો છે. તેમનું કહેવું છે કે જો રાહુલ રેલીનું આયોજન કરશે તો દિવાળીનો રૂ. 10 હજાર કરોડનો વેપાર પ્રભાવિત થશે.

