ભારત-પોલેન્ડ વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રે સહયોગ વધારશે

Wednesday 28th October 2026 06:29 EDT
 
 

નવી દિલ્હીઃ ત્રણ દિવસ માટે ભારતના પ્રવાસે આવેલા પોલેન્ડનાં પીએમ ડોનાલ્ડ ટસ્ક અને ભારતનાં પીએમ મોદી વચ્ચે ગુરુવારે હૈદરાબાદ હાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા યોજવામાં આવી હતી જેમાં બંને નેતાઓએ ભારત અને પોલેન્ડ વચ્ચે સહયોગ વધારવાની કટિબદ્ધતા વ્યક્ત કરીને બંને દેશો વચ્ચેના સંબંધોની સમીક્ષા કરી હતી. બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર, સંરક્ષણ, ટેકનિક સહિત અનેક મહત્ત્વનાં ક્ષેત્રોમાં સહયોગ વધારવા ચર્ચા કરી હતી. બંને નેતાઓની હાજરીમાં કેટલાક MoUનું આદાન પ્રદાન કરાયું હતું.
મોદીએ કહ્યું હતું કે ભારત અને યુરોપિય સંઘ વચ્ચે મુક્ત વેપાર કરાર (FTA) થી સહયોગની નવી સંભાવના વધી છે. ઈયુ સાથે વેપાર કરારથી નવી વ્યાપક તકો ખૂલી છે. 2024માં તેમના પોલેન્ડ પ્રવાસ વખતે બંને દેશોના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીનો દરજ્જો અપાયો હતો. આ પછી બે વર્ષમાં તેને નવી ગતિ મળી છે. ભારત અને પોલેન્ડની દોસ્તી કૂટનીતિક સંબંધો સુધી જ મર્યાદિત નથી.
પીએમ મોદીએ દોસ્ત કહેતા ગર્વ : ટસ્ક
પોલેન્ડનાં પીએમ ડોનાલ્ડ ટસ્કે કહ્યું હતું કે પીએમ મોદીએ મને તેમનો દોસ્ત કહેતા મને ગર્વની લાગણી અનુભવાઈ છે. ભારત અને પોલેન્ડ વચ્ચે હીતોનો કોઈ ટકરાવ નથી. વૈશ્વિક ઘટનાઓમાં ભારતની ભૂમિકા પ્રશંસનીય છે. ટસ્કે રાજઘાટ પર મહાત્મા ગાંધીની સમાધી પર પુષ્પાંજલી અર્પણ કરી હતી. ટસ્ક ભારતના વિદેશ પ્રધાન જયશંકરને મળ્યા હતા અને બંને દેશો વચ્ચે જુદાજુદા ક્ષેત્રોમાં સહયોગ વધારવા ભાર મુક્યો હતો.
દ્વિપક્ષીય વેપારને 10 અબજ ડોલર સુધી વધારવાનું લક્ષ્ય
ભારતમાં પોલેન્ડના પૂર્વ રાજદૂત એડમ બુરાકોવસ્કીએ કહ્યું હતું કે બંને દેશો વાર્ષિક દ્વિપક્ષીય વેપારને 6 અબજ ડૉલરથી વધારીને 10 અબજ ડૉલર કરવા માગે છે. જેમાં કંપનીઓ વચ્ચેની બાગીદારી અને વેપારી મંચોની ભુમિકા મહત્વની છે. સંરક્ષણ અને અંતરિક્ષ ટેકનોલોજી માટે સહયોગ મહત્વનો છે.


comments powered by Disqus