વડાપ્રધાન મોદી ડીસા અને એક્તાનગરની મુલાકાતે

બનાસડેરીનાં 5 વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત, ફોરેસ્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે

Wednesday 28th October 2026 06:31 EDT
 
 

અમદાવાદઃ વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરે ગુજરાતનો પ્રવાસ ખેડશે, જેમાં તેઓ બનાસકાંઠાના ડીસામાં આવેલા ભીલડી અને એકતાનગરની મુલાકાત લઈ વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે.
બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના ભીલડી ખાતે આગામી 30 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસ ડેરીનાં પાંચ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ કાર્યક્રમમાં ભીલડી ખાતે 127 એકર જમીનમાં રૂ. 325 કરોડના ખર્ચે તૈયાર થયેલા અત્યાધુનિક ભારત બોવાઇન બ્રીડિંગ એન્ડ રિસર્ચ સેન્ટર-BBBRCનું લોકાર્પણ કરાશે.
પશુપાલકોને બ્રીડર બનાવવાનો પ્રયાસ
બનાસ ડેરી દ્વારા પશુપાલકોને માત્ર દૂધ ઉત્પાદન અને વેચાણ પૂરતા મર્યાદિત ન રાખીને ઉત્તમ નસલનાં પશુઓ તૈયાર કરતા બ્રીડર બનાવવાના હેતુથી ‘બોવાઇન બ્રીડપ્રિન્યોર ક્લબ’ની સ્થાપના કરાઈ છે. આ પહેલ હેઠળ અત્યાર સુધીમાં આશરે 316 પ્રગતિશીલ પશુપાલકો BBBRC સાથે જોડાઈ ચૂક્યા છે. આ યોજના થકી પશુપાલકોના તબેલાને સ્થાનિક સ્તરે ઉચ્ચ આનુવંશિક ગુણવત્તા ધરાવતા પશુધનના સંવર્ધનનાં કેન્દ્રો તરીકે વિકસાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે.
એકતાનગરમાં ઉનાળા સહિત બારેમાસ પડશે વરસાદ
એકતાનગર ખાતે રૂ. 12 કરોડના ખર્ચે 12 એકર વિસ્તારમાં તૈયાર કરાયેલા રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટનું 31 ઓક્ટોબરે પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશેે. આ પ્રોજેક્ટમાં પ્રવાસીઓને બારેમાસ વરસાદનો અનુભવ મળશે. રેઇન ફોરેસ્ટ પ્રોજેક્ટનું મુખ્ય આકર્ષણ ગ્લાસ વોક-વે છે. 35 મિલીમીટર જાડાઈના 132 કોરિયન ગ્લાસથી તૈયાર કરાયેલો આ ગોળાકાર વોક-વે વિશ્વમાં પ્રથમ હોવાનો દાવો કરાઈ રહ્યો છે.


comments powered by Disqus