સંઘવીની દક્ષિણ કોરિયાના ઉદ્યોગ પ્રતિનિધિઓ સાથે બેઠકઃ જાપાનથી પણ શુભ સમાચાર

Wednesday 28th October 2026 06:30 EDT
 
 

ગાંધીનગરઃ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલાં રોડ-શો અંતર્ગત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દક્ષિણ કોરિયાના પ્રવાસ દરમિયાન અહીંના યંગવન કોર્પોરેશન સાથેની બેઠકમાં ભાગ લીધો હતો. આ બેઠકમાં કાપડ ઉત્પાદન, નિકાસ અને રોજગારી સર્જન ક્ષેત્રે સંભવિત સહયોગની તકો અંગે ચર્ચા કરાઈ હતી. તેમણે કોસ્મેટિક્સના વિકાસ અને કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે વૈશ્વિક અગ્રણી કંપની કોમેક્સ સાથેના એક સત્રમાં પણ ભાગ લીધો હતો. આ દરમિયાન કોસ્મેટિક્સ, વિશિષ્ટ ઘટકો, પ્રોડક્ટ ઇનોવેશન અને સંશોધન ક્ષેત્રે સહયોગની સંભાવના અંગે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત દક્ષિણ કોરિયા અને ગુજરાત વચ્ચે સહયોગ, રોકાણને સરળ બનાવવા તથા આર્થિક સંબંધો વધુ મજબૂત કરવાના હેતુથી દક્ષિણ કોરિયાની અગ્રણી બિઝનેસ અને કાનૂની કંપનીઓના પ્રતિનિધિઓ સાથેની ગોળમેજી બેઠકમાં પણ તેમણે ભાગ લીધો હતો.
સુઝુકી રાજ્યમાં 20 લાખ કારનું ઉત્પાદન કરશે
વાઈબ્રન્ટ સમિટ 2027ના સંદર્ભે જાપાન પ્રવાસે ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વ હેઠળના ગુજરાતના પ્રતિનિધિમંડળે બુધવારે ટોકિયોમાં બે રાઉન્ડ ટેબલ બેઠકો યોજીને 129 જાપાની કંપનીઓ સાથે ચર્ચા કરી હતી. જેમાં 57 જેટલા અગ્રણી ઉદ્યોગપતિઓ સહભાગી થયા હતા.
સુઝુકી મોટર કોર્પોરેશન ગુજરાતમાં પોતાનું વાર્ષિક કાર ઉત્પાદન 10 લાખથી બમણું કરીને 20 લાખ કરશે. આ વિસ્તરણને પગલે સુઝુકીની ઓટોમોબાઈલ સપ્લાય ચેઇનના 72 સપ્લાયર્સ પૈકી 27 સહાયક કંપનીઓએ રાજ્યમાં પ્લાન્ટ સ્થાપવા તૈયારી દર્શાવી છે. આ ઉપરાંત સિન્થેટિક પીયુ (PU) લેધરના ઉત્પાદન માટે ક્યોવા લેધરે સહમતી આપી છે, જે એક મહિનામાં જમીનની પસંદગી કરશે.
બીજી તરફ સુમિતોમો કેમિકલે ભાવનગરમાં સેમિકંડક્ટર માટે પણ વિશિષ્ટ કેમિકલ્સનું નવું એકમ સ્થાપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે ફુરુકાવા ઇલેક્ટ્રિક કંપની ડેટા સેન્ટર્સ માટે ઓપ્ટિકલ ફાઈબર કેબલ ઉત્પાદન ક્ષેત્રે રૂ. 4,500 કરોડથી વધુનું રોકાણ કરવા અંતિમ તબક્કાની ચર્ચામાં છે, જે જાપાન બહાર તેનો પ્રથમ પ્લાન્ટ હશે. ટોકિયો ઇલેક્ટ્રોને સેમિકંડક્ટરમાં રસ દાખવ્યો છે. ગુજરાતમાં પહેલેથી કાર્યરત્ હોન્ડા કંપનીએ વર્ષ 2027-28 સુધીમાં વિસ્તરણ હાથ ધરી 4,000 નવી રોજગારી આપવાની યોજના જાહેર કરી છે. નાયબ મુખ્યમંત્રીએ જાપાની રોકાણકારોને ઝડપી મંજૂરી અને માળખાકીય સુવિધાઓની ખાતરી આપી હતી.


comments powered by Disqus