અમદાવાદ એરપોર્ટથી ‘હબ એન્ડ સ્પોક’ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ સેવાનો પ્રારંભ

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ‘ઈઝ ઓફ ટ્રાવેલ’નો સીધો લાભ મળશે: ભૂપેન્દ્ર પટેલ

Wednesday 02nd September 2026 06:04 EDT
 
 

ગાંધીનગરઃ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ખાતેથી ‘હબ એન્ડ સ્પોક’ મોડેલ હેઠળની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સેવાઓનો વિધિવત પ્રારંભ કરાયો. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલયની આ પહેલ હેઠળ અમૃતસર અને વારાણસી બાદ અમદાવાદ દેશનું ત્રીજું એરપોર્ટ બન્યું છે, જેને આંતરરાષ્ટ્રીય પ્રવાસી ટ્રાફિક માટે ભારતના અગ્રણી હબ એન્ડ સ્પોક માળખામાં સાંકળી લેવાયું છે.
સામાન્ય માણસનું સપનું સાકાર કરાયું
હબ એન્ડ સ્પોક સેવાના શુભારંભ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતની વિકાસયાત્રા ઝડપથી આગળ વધી રહી છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રનો અગત્યનો ફાળો રહ્યો છે. ‘ઊડે દેશ કા આમ નાગરિક’ અભિગમથી ‘ઉડાન’ યોજના હેઠળ 679થી વધુ રૂટ્સ કાર્યરત્ કરી સામાન્ય પ્રવાસીઓને એર કનેક્ટિવિટી આપીને વિમાન પ્રવાસનું સપનું સાકાર કરાયું છે. અમદાવાદ એરપોર્ટથી ‘હબ એન્ડ સ્પોક’ સેવા શરૂ થવાથી રાજ્યના આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને ‘ઇઝ ઓફ ટ્રાવેલ’નો સીધો લાભ મળશે અને નાનાં શહેરોના મુસાફરોને બોર્ડિંગ, કસ્ટમ્સ અને ઇમિગ્રેશનની પ્રક્રિયાથી મુક્તિ મળશે.
શું છે હબ એન્ડ સ્પોક?
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘હબ એન્ડ સ્પોક’ એ એરલાઇન ઓપરેશનલ સિસ્ટમ છે, જે હેઠળ નાનાં શહેરો (સ્પોક)ના મુસાફરોને મોટા કેન્દ્રીય એરપોર્ટ (હબ) પર લાવવામાં આવે છે અને ત્યાંથી કનેક્ટિંગ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં ટ્રાન્સફર કરવામાં આવે છે. આ સુવિધાથી મુસાફરોના સામાન, કસ્ટમ્સ અને ઇમિગ્રેશન સંબંધિત તમામ તપાસ પ્રારંભિક એરપોર્ટ પર જ પૂર્ણ થઈ જશે, જેથી હબ એરપોર્ટ પર ફરીથી સુરક્ષા તપાસ કે ચેકઇન કરવાની જરૂર રહેશે નહીં. સ્વચાલિત સામાન ટ્રાન્સફર અને સરળ પ્રક્રિયાથી મુસાફરોના સમયની બચત થશે તેમજ એરલાઇન્સના ઓપરેટિંગ ખર્ચમાં ઘટાડો થશે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, રાજ્ય સરકાર એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસને સતત વેગ આપી રહી છે, જેના પરિણામે હાલ ગુજરાતમાં 3 આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સહિત કુલ 19 એરપોર્ટ્સ કાર્યરત છે. જેનાથી ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટ આવનારા સમયમાં અર્થતંત્રને નવી ગતિ પ્રદાન કરશે.


comments powered by Disqus