અમરેલીના લાઠીમાં અમિત શાહ દ્વારા ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ

Wednesday 02nd September 2026 06:04 EDT
 
 

અમરેલીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહે ગુરુવારે અમરેલીમાં લાઠીના દુધાળા ગામ નજીક ગાગડિયા નદી પર હરેકૃષ્ણ ગ્રૂપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રૂ. 4 કરોડના ખર્ચે 21 એકર વિસ્તારમાં નિર્મિત ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ કર્યું હતું. ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા રાજ્યમાં 208 સરોવર નિર્માણ કરાયાં છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે આ પ્રસંગે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત રાજ્યભરમાં સૌને વરસાદી પાણીના સંગ્રહ માટે આવી યોગ્ય વ્યવસ્થા કરવાની પ્રેરણા લેવા અનુરોધ કરતાં કહ્યું કે, મને યાદ છે કે, ગુજરાતમાં વર્ષ 1985થી 1987 સળંગ ત્રણ વર્ષ ભારે દુષ્કાળ પડયો હતો. જમીનના તળ સુકાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી, પરંતુ જ્યારે વર્ષ 2001માં નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે અપનાવેલી દૂરદર્શિતા અને નક્કર આયોજનથી રાજ્યમાં ચેકડેમ, ખેત તલાવડીથી માંડીને નર્મદા યોજના, સૌની યોજના તેમજ ઉત્તર ગુજરાતમાં સુજલામ સુફલામ જેવાં નક્કર આયોજનો કર્યાં હતાં, તેના કારણે આજે ગુજરાત 2001થી 2026 સુધી દુષ્કાળમુક્ત રહ્યું છે. 2003માં એક જ વર્ષમાં દોઢ લાખ ચેકડેમ બનાવાયા હતા.
વર્તમાન સ્થિતિમાં ચોમાસું અનિયમિત બન્યું છે. તેવા સંજોગોમાં દુષ્કાળ જાહેર કરવાની ઊઠેલી માગનો છેદ ઉડાવતાં અમિતભાઈએ કહ્યું કે, આ વર્ષે દરેક વ્યક્તિ કહી રહ્યા હતા કે, અલનીનોની અસરને કારણે દુષ્કાળ પડશે, પરંતુ ગુજરાતમાં વરસાદ તો થયો છે, અમુક ગામો છે જ્યાં ઓછો વરસાદ છે, પરંતુ ભૂતકાળની જેમ ઢોરને વલસાડ લઈ જવાની સ્થિતિ ઊભી થઈ નથી.


comments powered by Disqus