અમદાવાદઃ ચોમાસાની વર્તમાન સિઝનમાં એકતરફ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ વરસી ચૂક્યો છે, ત્યારે રાજ્યના 10 તાલુકા એવા છે જ્યાં સરેરાશ 10 ઈંચ પણ વરસાદ વરસ્યો નથી. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા અને કચ્છમાં પડેલા અપૂરતા વરસાદથી કૃષિ અને જળસ્રોત પર સંકટ તોળાયું છે. અપૂરતા વરસાદથી જળસ્તર સતત ઘટી રહ્યું છે, જેમાં દેવભૂમિ દ્વારકાના ચાર તાલુકા એવા છે જ્યાં 10 ટકાથી પણ ઓછો વરસાદ નોંધાયો છે. દ્વારકા તાલુકામાં સરેરાશ 1 ઈંચ પણ વરસાદ પડ્યો નથી. ઓછા વરસાદના પગલે મગફળીનું 1,99,400 હેક્ટર વિસ્તારમાં વાવેતર બગડ્યું છે, જેની સરખામણીએ ગતવર્ષે ઓક્ટોબર સુધી 2,17,000 હેક્ટર વાવેતર થયું હતું.
ગુજરાતમાં 1 સપ્ટેમ્બરની સ્થિતિએ 75 જળાશય એવાં છે, જ્યાં જળસ્તર 25થી પણ નીચું છે. 44 જળાશયમાં 25થી 50 ટકા, 29 જળાશયમાં 50થી 70 ટકા, 31 જળાશયમાં 70થી 100 ટકા અને 27 જળાશયમાં 100 ટકા જળસ્તર છે. હાલ દેવભૂમિ દ્વારકાનાં 12 જળાશયમાં 10 ટકાથી પણ ઓછું જળસ્તર છે. કચ્છની વાત કરવામાં આવે તો તેના 20 ડેમમાં સરેરાશ જળસ્તર 25 ટકાથી ઓછું છે. રાહતની વાત એ છે કે સરદાર સરોવરમાં 88.15 ટકા જળસ્તર નોઁધાયું છે. જાણકારોને મતે આગામી બે સપ્તાહ ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છની કૃષિ માટે નિર્ણાયક છે. હવામાન વિભાગના અનુમાન અનુસાર સપ્ટેમ્બરના બીજા સપ્તાહથી સિસ્ટમ સક્રિય થતાં નોંધપાત્ર વરસાદ પડી શકે છે.
