કચ્છ સરહદે 32 માસમાં રૂ. 432 કરોડના ખર્ચે મહાકાય સુરક્ષા માળખું ઊભું કરાશે

Wednesday 02nd September 2026 06:04 EDT
 
 

ભુજઃ કચ્છની પાકિસ્તાન સરહદે હવે સુરક્ષાની લડાઈ માત્ર સરહદ પર ઊભેલા જવાનો અને તેમની સતત નજર સુધી સીમિત નહીં રહે. જ્યાં એક તરફ રણ, કાદવ, ખારાશ અને ક્રીકનું બદલાતું ભૂગોળ સુરક્ષા દળો માટે સતત પડકાર ઊભો કરે છે, ત્યાં બીજી તરફ કેન્દ્ર સરકારે આ જ દુર્ગમ સરહદી પટ્ટાને મજબૂત માળખાકીય આધાર આપવાની દિશામાં રૂ. 432.09 કરોડના ખર્ચે સુરક્ષા વ્યવસ્થા માટેનું મહાકાય કામ હાથ ધર્યું છે.
આ પ્રોજેક્ટમાં માત્ર સરહદી ચોકીઓ ઊભી કરવાની વાત નથી. જેટી, પહોંચ માર્ગો, કલ્વર્ટ, ઊંચા નિરીક્ષણ ટાવર, ડ્રેજિંગ, પાણી સંગ્રહ, જનરેટર અને આંતરિક વીજળીની સુવિધા સાથે સરહદી કામગીરી માટે જરૂરી સમગ્ર માળખું ઊભું કરવાની યોજના પણ છે. આ માટે કેન્દ્રીય જાહેર બાંધકામ વિભાગે કચ્છના ભારત-પાકિસ્તાન સરહદના ક્રીક વિસ્તારમાં આ માટે પ્લાનિંગ, સામગ્રીની ખરીદી અને બાંધકામ કરીને તૈયાર પ્રોજેક્ટ સરકારને સુપરત કરે તે આધારિત પદ્ધતિથી ટેન્ડર બહાર પાડ્યું છે. આ કામ 32 મહિનામાં પૂરું કરાશે. આ પ્રોજેક્ટની સૌથી મહત્ત્વની બાબત એ છે કે, કચ્છના ક્રીક વિસ્તારમાં સરહદી સુરક્ષા માટે જરૂરી અલગ અલગ સુવિધાને છૂટાછવાયા કામ તરીકે નહીં, પરંતુ એક જ મોટા માળખાકીય પેકેજ તરીકે વિકસાવવાની કવાયત થઈ રહી છે. એટલે કે સરહદી ચોકી ઊભી થશે, પરંતુ તે ચોકી સુધી પહોંચવાનો માર્ગ પણ હશે. પાણીના વિસ્તારમાં કામગીરી માટે જેટી પણ હશે, ઊંચાઈ પરથી નજર રાખવા માટે નિરીક્ષણ ટાવર પણ હશે અને મુશ્કેલ જળપ્રદેશમાં જરૂરી ડ્રેજિંગની કામગીરી પણ કરાશે.


comments powered by Disqus