કચ્છના કરોતરા પરિવારે કાળજાનો કટકો વાળીનાથ મહાદેવને અર્પણ કર્યો

Wednesday 02nd September 2026 06:04 EDT
 
 

ભુજઃ તાલુકાના મોખાણા ગામના કરોતરા પરિવારે પવિત્ર શ્રાવણ માસના સોમવારે પોતાના 6 વર્ષના વહાલસોયા પુત્ર શ્રીયાંશને વિસનગર સ્થિત સુપ્રસિદ્ધ યાત્રાધામ વાળીનાથ મહાદેવનાં ચરણે સમર્પિત કર્યો છે. વાળીનાથ ધામના ગાદીપતિ અને મહંત પૂજ્ય જયરામગીરી બાપુએ શ્રીયાંશને આશીર્વાદ આપી નવું નામ 'શ્રીયાંશગિરિ' આપ્યું હતું. આ પ્રસંગે બાળસંતને સુવર્ણ પાઘડી તેમજ પરિવારજનોનું પણ વિશિષ્ટ સન્માન કરાયું હતું.
કચ્છ જિલ્લાના મોખાણા ગામના વતની કરોતરા પરિવારે તેમના લાડકવાયા પુત્ર શ્રીયાંશને વિસનગર તાલુકાના તરભ ગામે આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી વાળીનાથ મહાદેવનાં ચરણે અર્પણ કરવાનો ઐતિહાસિક અને પવિત્ર સંકલ્પ લીધો હતો. જે સંકલ્પને પૂર્ણ કરવા શ્રાવણ માસના સોમવારના રોજ મોખાણા ગામથી વાળીનાથ ધામ સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી.
સંસાર કે સંન્યાસની સંપૂર્ણ છૂટઃ મહંત
મહંત જયરામગિરિ બાપુએ જણાવ્યું હતું કે, ‘સનાતન સંસ્કૃતિ અને વાળીનાથ પરંપરામાં ધર્મરક્ષા તથા લોકકલ્યાણ માટે બાળકને અર્પણ કરવાની પ્રાચીન પરંપરા છે. આ બાળકો ગુરુકુળમાં ધોરણ-12 સુધી ભણ્યા બાદ કાશી કે ઋષિકેશમાં વેદ-સંસ્કૃતનો ઉચ્ચ અભ્યાસ કરે છે. પુખ્તવયે જો બાળકને સંસારી જીવન જીવવું હોય તો તેને પૂર્ણ સ્વતંત્રતા અપાય છે.’
3 વર્ષ પહેલાં લીધેલો સંકલ્પ લીધો
શ્રીયાંશના પિતા વિસાભાઈ કરોતરા અને કાકા મંગલભાઈએ જણાવ્યું કે, તેમના પરિવારનો વાળીનાથ ધામ સાથે 40 વર્ષ જૂનો સંબંધ છે. તેમને ત્રણ પુત્રો (પરીક્ષિત, માધવ અને શ્રીયાંશ) છે. કોઈ માનતા વગર માત્ર સમાજમાં શિક્ષણ અને સંસ્કારની જ્યોત પ્રજ્વલિત થાય તેવા ભાવ સાથે તેમણે સૌથી નાના પુત્રને સમર્પિત કરવાનો સંકલ્પ પૂર્ણ કર્યો છે.


comments powered by Disqus