વડોદરાઃ શહેરના અતિ ચકચારી ભાયલી ગેંગરેપ કેસના 5 આરોપીને પોક્સો કોર્ટે દોષી ઠેરવી અંતિમ શ્વાસ સુધીની કેદની સજા ફટકારી. 2024માં બીજા નોરતાની રાત્રે મિત્ર સાથે ગરબા રમવા ગયેલી સગીરા અને તેનો મિત્ર બેઠા હતા, ત્યારે જ અચાનક ધસી આવેલા 5 શખ્સોએ સગીરા સાથે અડપલાં અને દુષ્કર્મ આચર્યું હતું. કોર્ટે સજાનું એલાન કર્યા બાદ પીડિતાને રૂ. 10 લાખનું વળતરનો પણ આદેશ કર્યો હતો. મહત્ત્વનું છે કે, વડોદરામાં પ્રથમવાર એકસાથે 5 આરોપીને જીવે ત્યાં સુધી કેદની સજા ફટકારાઈ છે.
ખાસ સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું કે, કોર્ટે આ ચુકાદો સંભળાવતી વખતે સુપ્રીમ કોર્ટના ઇશાનકુમાર કેસના જજમેન્ટ અને માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. આરોપીઓને જીવનના અંતિમ શ્વાસ સુધીની કેદની સાથે રૂ. 50-50 હજારનો દંડ ફટકારાયો છે, જ્યારે પીડિતાને રૂ. 10 લાખનું વળતર ચૂકવવા હુકમ કરાયો છે. સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે, દુષ્કર્મના આ કેસમાં પ્રોસિક્યુશન તરફથી સાંયોગિક પુરાવાની દરેક કડીઓ નામદાર કોર્ટ સમક્ષ શંકારહિત રીતે પુરવાર કરાઈ હતી.

