નવી દિલ્હીઃ ભારત મંડપ ખાતે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયા, રાજ્યમંત્રી નિમુબહેન બાંભણિયા, મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર ડો. હસમુખ અઢિયા, મુખ્ય સચિવ એમ.કે. દાસ અને કેન્દ્ર-રાજ્ય સરકારના વરિષ્ઠ સચિવોની ઉપસ્થિત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કર્ટેન રેઇઝરનો મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતમાં ઉદ્યોગો માટેની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અન્ય મહાનુભાવોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બિઝનેસ લીડર્સ પણ સહભાગી થયા હતા.
આ તબક્કે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની સ્ટ્રેન્થ પુરવાર કરીને હવે ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગોમાં લીડ લેવા કમર કસી છે. ‘વિકસિત ગુજરાત-શેપિંગ ગ્લોબલ ફ્યુચર’ની થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 ગુજરાતમાં સોફ્ટ પાવર, સેમિકંડક્ટર, ફિનટેક, ગ્રીન હાઇડ્રોજન, એઆઇ જેવા ઊભરતાં સેક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ફોકસ કરાશે. મેન્યુફેક્ચરિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની કેપેસિટી, એગ્રિકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેકનોલોજીમાં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સમાં મેન્યુફેક્ચરિંગ, ગ્રીન અને બ્લૂ ઈકોનોમીમાં નેચરલ સ્ટ્રેન્થ અને સોફ્ટ પાવરમાં સંસ્કૃતિ આ બધાને સાથે જોડીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027થી વડાપ્રધાનના સપ્તધારા સંકલ્પને ગતિ અપાશે.
ગુજરાતનું અર્થતંત્ર રૂ. 27 લાખ કરોડે પહોંચ્યુંઃ સંઘવી
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ-વિદેશના રોકાણકારો અને ઉદ્યોગ સાહસિકોને ગુજરાતમાં રોકાણ કરવા આમંત્રણ પાઠવતાં જણાવ્યું કે, ગુજરાતનું અર્થતંત્ર રૂ. 1.42 લાખ કરોડથી વધીને આજે રૂ. 27 લાખ કરોડે પહોંચ્યું છે. એક્ઝિક્યુશન વિનાનું વિઝન માત્ર ભાષણ બની રહે છે અને વિઝન વિનાનું એક્ઝિક્યુશન માત્ર ભાગદોડ છે. ગુજરાતે સચોટ વિઝન અને ઝડપી અમલનું ઉત્કૃષ્ટ ઉદાહરણ સમગ્ર દેશ સમક્ષ પૂરું પાડ્યું છે. ગુજરાતની અવિરત વિકાસયાત્રામાં સરકાર અને ઉદ્યોગજગત વચ્ચેનો પરસ્પર વિશ્વાસ સૌથી મોટો આધારસ્તંભ છે. સરકાર માત્ર શાસક જ નહીં, પરંતુ ‘ટીમ ગુજરાત’ બનીને ઉદ્યોગોના વિચારો તથા જરૂરિયાતોને સમજી નવી તકોનું સર્જન કરી રહી છે.

