અમદાવાદઃ વડોદરા મહાનગરપાલિકાની ટીપી સ્કીમ નંબર-22ના ફાઇનલ પ્લોટ નંબર-90 પર ગેરકાયદે કબજાના વિવાદમાં ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણે ગુજરાત હાઇકોર્ટમાંથી પોતાની અપીલ સત્તાવાર રીતે પાછી ખેંચી લીધી છે. સોમવારે ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ ડી.એન. રેની ડિવિઝન બેન્ચ સમક્ષ સુનાવણી દરમિયાન પઠાણના વકીલે અપીલ પર આગળ ન વધવાની અનિચ્છા દર્શાવી હતી.
વકીલે રજૂઆત કરી કે આંતરરાષ્ટ્રીય ક્રિકેટરોની નીતિ હેઠળ પ્લોટ ફાળવણી મુદ્દે કોર્પોરેશન અને સરકાર તરફથી કોઈ સંતોષકારક પ્રતિસાદ ન મળતાં અસીલની સૂચનાથી અપીલ પાછી ખેંચાઈ છે. હવે તેનો ઉકેલ કોર્ટ બહાર લવાશે. આ સાથે હાઇકોર્ટમાં કાયદાકીય વિવાદ પૂર્ણ થતાં હવે વડોદરા મનપા સરકારી જમીન પરનું દબાણ હટાવવા આગળની કાર્યવાહી હાથ ધરશે.
અગાઉ સિંગલ જજે તાંદલજા ખાતેના 978 ચોરસ મીટરના પ્લોટ પર પઠાણને દબાણકારક ઠેરવી 12-9-2025ના રોજ અરજી ફગાવી દીધી હતી, જેને ડિવિઝન બેન્ચમાં પડકારાઈ હતી. વર્ષ 2012માં મનપાએ માર્કેટ કિંમતે 99 વર્ષની લીઝ પર જમીન આપવા પ્રસ્તાવ કર્યો હતો, પરંતુ સરકારે 2024માં તે નકારી કાઢ્યો હતો. મનપાએ 6-6-2024ના રોજ પ્રસ્તાવ નકારી જમીન પરથી દબાણ દૂર કરવા સૂચના આપી હતી.

