અમદાવાદઃ નેપાળમાં તિબેટથી ધસી આવેલા પૂરથી એક હજારથી વધુ લોકોનાં મોત થયાં છે, જ્યારે હજારો લોકો લાપતા થયા છે. આવા સમયે 250 જેટલા ગુજરાતીઓ પણ આ પૂરમાં ફસાઈ ગયા હતા. પોતાના સ્વજન આ હોનારતમાં હોવાની જાણ થતાં ગુજરાતમાં પણ લોકો ચિંતામાં સરી પડ્યા હતા. આવા સમયે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી હેલ્પલાઇન તેમના માટે સેતુસમાન સાબિત થઈ હતી. ગુજરાત સરકાર દ્વારા આ દુર્ઘટનાને ગંભીરતાથી લઈ નેપાળ સરકારનો તુરંત સંપર્ક સાથી ગુજરાતીઓને હેમખેમ પરત લાવવા માટેની કવાયત હાથ ધરાઈ હતી. મંગળવારની સ્થિતિ મુજબ મોટી સંખ્યામાં ગુજરાતીઓ પરત આવી ચૂક્યા છે, પરંતુ હજુ પણ આશરે 100 જેટલા ગુજરાતીઓ સંપર્કવિહોણા હોવાનું જાણવા મળ્યું છે.
કૈલાસ માનસરોવર ગયેલા 26 ગુજરાતી સંપર્કવિહોણા
નેપાળની હોનારતને લઈ કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 26 ગુજરાતીઓ સંપર્કવિહોણા છે. સ્ટેટ ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર દ્વારા 30 ઓગસ્ટે યાદી બહાર પડાઈ છે, જેમાં અનેક પ્રવાસીઓ હજુપણ નેપાળ કે આગળ જતાં માનસરોવર તરફ ફસાયા હોવાનું જાણવા મળ્યું છે. લાપતા થયેલા આ મુસાફર મૂળ અમદાવાદના અને ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ ધરાવતા અર્પણ નામના પ્રવાસી છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ ગયેલા 26 યાત્રાળુઓ પૈકી અમદાવાદના 6. આણંદના 4, ખેડાના 4, સુરતના 4, ગાંધીનગરના 4, અમરેલીના 2, રાજકોટના 1 અને વલસાડના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે. યાત્રીઓ કૈલાસ માનસરોવર માટે કેરુંગ રૂરલ રૂટ, રસુવાગઢી બોર્ડર અને કાઠમંડુથી ચીન બોર્ડર તરફના માર્ગે નીકળ્યા હતા.
સુરતના એક જ પરિવારના ત્રણ નેપાળમાં લાપતા
પવિત્ર કૈલાસ માનસરોવરની ધાર્મિક યાત્રાએ નીકળેલા સુરતના એક જ પરિવારના ત્રણ સભ્યો નેપાળમાં સર્જાયેલી ભીષણ તારાજી વચ્ચે અચાનક લાપતા થઈ જતાં પરિવારજનો પર ભારે આઘાત છવાઈ ગયો છે. કુદરતી હોનારત બાદ છેલ્લા કેટલાક દિવસોથી તમામ સભ્યોનો કોઈ સંપર્ક ન થતાં સુરતમાં રહેતા વૃદ્ધ માતા સુશીલાબેન પટેલે રાજ્ય અને કેન્દ્ર સરકાર સમક્ષ પોતાના સંતાનોને સહીસલામત શોધી પરત લાવવા માટે મદદ કરવા માટે હાથ ફેલાવ્યા છે. સુશીલાબેનના પુત્ર પરેશભાઈ પટેલ અને પત્ની જ્યોતિબેન પટેલ અમેરિકા સ્થાયી થયેલા છે. તેઓ માનસરોવર યાત્રા માટે ખાસ ભારત આવ્યા હતા. ગત 20 તારીખે આ દંપતી અમેરિકાથી સીધું નેપાળ પહોંચ્યું હતું. ત્યારબાદ 22 તારીખે મુંબઈથી તેમની દીકરી મીનાક્ષીબેન રામાણી પણ નેપાળ પહોંચીને પરિવાર સાથે જોડાયાં હતાં.
અમેરિકા-કેનેડાના NRG હજુ પણ લાપતા
સંપર્કવિહોણાં ગુજરાતીઓમાં બિનનિવાસી ભારતીયો પણ હોવાનું સામે આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર લાપતા બનેલા લોકોમાં બે અમેરિકા અને બે કેનેડાના સ્થાયી વતની છે, જેઓ નેપાળ પ્રવાસે આવ્યા હતા. વિદેશી નાગરિકત્વ ધરાવતા આ ગુજરાતીઓની સલામતી માટે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ વિગતો મેળવવામાં આવી રહી છે.
છેલ્લી ઘડીએ કૈલાસની યાત્રા રદ થતાં 120નો ચમત્કારિક બચાવ
નેપાળ દુર્ઘટનામાં અનેક લોકોના જીવ ગયા છે અને અનેક લોકો લાપતા હોવાના અહેવાલ વચ્ચે ગુજરાત માટે પણ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. જો કે આ ભયાવહ સ્થિતિ વચ્ચે ગુજરાતના કેટલાક લોકો માટે સમયસર લેવાયેલા નિર્ણયો જીવન બચાવનારા સાબિત થયા છે. રાજકોટના આશરે 120 લોકો કૈલાસ-માનસરોવર યાત્રાએ જવાના હતા. ખાસ વાત એ છે કે, તેમની યાત્રાના આયોજનમાં જે વિસ્તારનો સમાવેશ થતો હતો, ત્યાં જ દુર્ઘટના સર્જાઈ હતી અને યાત્રાળુઓનું ત્યાં રાત્રીરોકાણ પણ થવાનું હતું. જો કે ચીન સરકાર તરફથી જરૂરી પરવાનગી ન મળતાં યાત્રા અટવાઈ અને અંતે 20 ઓગસ્ટે તેને રદ કરવાનો નિર્ણય લેવાયો. ચીન દ્વારા મંજૂરી ન મળતાં આ તમામ 120 લોકો નિરાશામાં ગરક થઈ ગયા હતા, પરંતુ હવે જ્યારે આ દુર્ઘટના સર્જાઈ છે ત્યારે તેમની એ જ નિરાશા રાહતમાં ફેરવાઈ છે. જે વિસ્તારમાં તેઓ પહોંચવાના હતા ત્યાં જ કુદરતનો કેર ત્રાટકતાં યાત્રાળુઓ હવે કહી રહ્યા છે કે, ‘યાત્રા રદ થઈ
ત્યારે દુઃખ થયું હતું, પરંતુ હવે લાગે છે કે ભગવાન શિવે જ અમને બચાવી લીધા.’
નવસારીના ચાર યુવાનો સમયસૂચકતાથી બચ્યા
બીજી તરફ નવસારીના ચાર યુવાનો પણ નેપાળની આફતમાંથી આબાદ બચીને પોતાના વતન પરત ફર્યા હોવાની માહિતી સામે આવી છે. આ ચારેય યુવાનો પોખરા, કાઠમંડુ અને મુક્તિનાથના પ્રવાસે ગયા હતા. પરિસ્થિતિ વિકટ બને તે પહેલાં જ તેમણે સમયસૂચકતા વાપરી નેપાળથી પરત ફરવાનો નિર્ણય લીધો હતો. યુવાનો હેમખેમ ઘરે પરત ફરતાં પરિવારજનોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. કુદરતી આફતની ગંભીરતા સામે આવી છે, ત્યારે સમયસર પરત ફરવાનો તેમનો નિર્ણય મહત્વપૂર્ણ સાબિત થયો છે.
ન્યૂઝીલેન્ડ રહેતાં મૂળ અમદાવાદનાં પતિ-પત્ની લાપતા
કૈલાસ- માનસરોવરની યાત્રાએ ગયેલું મૂળ અમદાવાદનું અને 25 વર્ષથી ન્યૂઝીલેન્ડમાં સ્થાયી થયેલાં દંપતી મિહિર પટેલ અને કિન્નરી પટેલ નેપાળમાં આવેલા ભયાવહ પૂરમાં ફસાઈ ગયાં છે. તેઓ માન સરોવર માટે ન્યૂઝીલેન્ડથી કાઠમંડુ પહોંચ્યાં હતાં, જ્યાં યાત્રાએ જતા પૂર્વે ઈમિગ્રેશન સેન્ટર ખાતે હતા ત્યારે પૂર આવતાં દંપતી ફસાઈ ગયું હતું. મળસ્કે મળેલા છેલ્લા મેસેજ બાદ 36 કલાક કરતાં પણ વધુ સમય વીતી ગયો હોવા છતાં હજુ તેમનો કોઈ પતો લાગ્યો નથી. જેને લઈને બંનેના પરિવાર અને સંતાનોના માથે ચિંતાના વાદળો ઘેરાયાં છે.

