અંકલેશ્વરઃ રક્ષાબંધનના પવિત્ર પર્વ પર ભરૂચ જિલ્લાના હાંસોટ ખાતે ભાઈ-બહેનના પવિત્ર સંબંધ અને અંગદાનની ભાવનાને ઉજાગર કરતો એક અત્યંત ભાવુક અને અનોખો પ્રસંગ જોવા મળ્યો. અંકલેશ્વરના હાજત ગામની નિધિએ પોતાના દિવંગત ભાઈ શૈશવ પટેલનું હૃદય મેળવનારા 22 વર્ષીય યુવાન રવિરાજ મહિડાને રાખડી બાંધીને પોતાના ભાઈ તરીકે સ્વીકાર્યો હતો.
ગત 18 માર્ચ 2023ના રોજ અંકલેશ્વરના 24 વર્ષીય મિકેનિકલ એન્જિનિયર શૈશવ ગિરીશભાઈ પટેલને સુરતની એઇમ્સ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં બ્રેઇનડેડ જાહેર કરાયો હતો. પુત્રને ગુમાવવાના ભારે દુઃખ વચ્ચે પણ પરિવારે હિંમત દાખવી શૈશવના હૃદય, ફેફસાં, લીવર, કિડની અને ચક્ષુઓનું દાન કરવાનો ઉમદા નિર્ણય લીધો હતો. શૈશવનું હૃદય માર્ચ 2023માં સુરતની મહાવીર હોસ્પિટલમાં સફળ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી દ્વારા હાંસોટના આસરમાજુના ગામના રવિરાજ વિક્રમસિંહ મહિડાને મળ્યું હતું, ત્યારથી શૈશવનું હૃદય રવિરાજના શરીરમાં ધબકી રહ્યું છે અને તેને નવજીવન મળ્યું છે.
બહેનની આંખો છલકાઈ
રક્ષાબંધનના દિવસે શૈશવની બહેન નિધિ માતા મનીષાબહેન, પિતરાઈ ભાઈ મોહિત તથા ડોનેટ લાઇકની ટીમ સાથે રવિરાજના ઘરે પહોંચી હતી. નિધિએ જ્યારે રવિરાજના કાંડા પર રક્ષાસૂત્ર બાંધ્યું, ત્યારે સમગ્ર વાતાવરણ અત્યંત ભાવુક બની ગયું હતું. આ પ્રસંગે ભાઈને ગુમાવવાનું દુઃખ અને પોતાના ભાઈનું હૃદય આજે પણ કોઈના શરીરમાં ધબકી રહ્યું છે તેનો સંતોષ - આ બંને લાગણી બહેન નિધિને એકસાથે અનુભવાઈ હતી.

