નવી દિલ્હીઃ સિંધુ જળ સંધિ અંગે કોર્ટ ઓફ આર્બિટ્રેશનનાં તાજેતરનાં નિર્ણયને ભારત સરકારે ફગાવી દીધો છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ ઓફ આર્બિટ્રેશન આંતરરાષ્ટ્રીય વિવાદો માટે વિશ્વનું સૌથી જૂનું મંચ છે.
વિદેશ મંત્રાલયે આ કોર્ટને ગેરકાયદેસર ગણાવી સ્પષ્ટ કર્યું છે કે આ કેસમાં તેનો કોઈ અધિકાર ક્ષેત્ર નથી. વિદેશ મંત્રાલયનાં નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે મધ્યસ્થતા ન્યાયાલય દ્વારા જારી કોઈ પણ નિર્ણય અથવા આદેશની ભારતની કાર્યવાહી પર કોઈ અસર પડશે નહીં.આ દરમિયાન મંત્રાલયે એ પણ જણાવ્યું છે કે સિંધુ જળ સંધિને સ્થગિત રાખવાનો ભારતનો નિર્ણય યથાવત લાગુ છે. ઉલ્લેખનીય છે કે ભારતનું આ વલણ નવું નથી. ભારતે અગાઉ પણ જમ્મુ-કાશ્મીરમાં જળવિદ્યુત પરિયોજનાઓ અને સિંધુ જળ સંધિથી જોડાયેલા કેસોમાં આ કોર્ટનાં નિર્ણયોને ફગાવી દીધા હતાં. ભારતનું સ્પષ્ટપણે માનવું છે કે આ કોર્ટની રચના જ સંધિની જોગવાઈઓથી વિપરીત છે. તેથી તેના તમામ નિર્ણયો અમાન્ય છે.
આ અગાઉ પાકિસ્તાને જણાવ્યું હતું કે ઈસ્લામાબાદને સિંધુ જળ સંધિ હેઠળ તેના ભાગનાં પાણીથી વંચિત કરવાનો કોઈ પણ પ્રયત્નનાં ક્ષેત્રીય સુરક્ષા પર ગંભીર પરિણામો જોવા મળશે. પાકિસ્તાનાં અખબારનાં અહેવાલ મુજબ પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઈસહાક ડારે સિંધુ જળ સંધિનાં વિષય પર આયોજિત કોન્ફરન્સને વીડિયો કોન્ફરન્સનાં માધ્યમથી સંબોધતા જણાવ્યું હતું કે આ મુદ્દો દ્વિપક્ષીય સંબંધોથી ઘણો આગળનો છે અને તેનો સંબંધ સંધિઓની પવિત્રતાથી છે. સિંધુ જળ સંધિ 1960માં ભારત અને પાકિસ્તાનની વચ્ચે વિશ્વ બેંકની મધ્યસ્થતામાં સિંધુ નદી ઘાટીની છ નદીઓનાં પાણીની વહેંચણી માટે થયેલી સમજૂતી છે. જેમાં ત્રણ પૂર્વીય નદીઓ ભારતને અને ત્રણ પશ્ચિમી નદીઓ પાકિસ્તાનને ફાળવવામાં આવી છે.

