ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં જેન-ઝીના આંદોલન પછી પહેલીવાર 8 સપ્ટેમ્બરે ગુજરાતમાં આવી રહ્યા છે. એ દિવસે યુવાઓ-વિદ્યાર્થીઓને આકર્ષવા માટે એમ.એસ. યુનિવર્સિટી કેમ્પસમાં મોટાપાયે કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે, જેનું સુપરવિઝન હાઇકમાન્ડની સૂચનાથી ખુદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંથવી કરી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કાર્યક્રમ ક્લોઝ-ડોર રહેશે. લગભગ 6 હજાર માણસોને એકઠા કરવા આયોજન થઈ રહ્યું છે, જેમાં ત્રણ હજાર વિદ્યાર્થીઓ અને એટલા જ પ્રમાણમાં યંગ પ્રોફેશનલ્સને બોલાવાશે.
આ કાર્યક્રમમાં રજિસ્ટ્રેશન વગર પ્રવેશ પર પ્રતિબંધ રહેશે. જો કે 30 ટકા જેટલા ભાજપના યુવા કાર્યકરોને પણ સામેલ કરવા આદેશ થયો છે. સૂત્રો મુજબ પહેલીવાર આ રીતે જેન-ઝી અને યુવાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. નાયબ મુખ્યમંત્રીએ શનિવારે રાત્રે કાર્યક્રમના સ્થળનું નિરીક્ષણ કર્યા બાદ 9 વાગ્યે વડોદરા સર્કિટ હાઉસ ખાતે કાર્યક્રમ સંદર્ભે યોજાયેલી બેઠકમાં જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર, ડીએસપી તેમજ ભાજપના સાંસદો-ધારાસભ્યો હાજર રહ્યા હતા.
વડાપ્રધાન મોદી વડોદરાના કાર્યક્રમ બાદ નવસારી જશે, જ્યાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલા ભાજપના અત્યાધુનિક આલીશાન કાર્યાલયનું તેઓ ઉદ્ઘાટન કરશે અને ત્યારબાદ વડોદરા આવી સાંજે પરત ફરશે.

