વડોદરાઃ વડાપ્રધાન મોદીએ 8 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાત લીધી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ રેમ્પની રાજનીતિનો પ્રયોગ કર્યો હતો. વડોદરા પહોંચતાં તેમણે રેમ્પ પર રોકસ્ટારની જેમ એન્ટ્રી લીધી, જેની સાથે જ ભાજપ સંગઠન દ્વારા વિશેષ બનાવાયેલા ‘હીરાબાના લાલ મારા ભારતના લાલ છે’ ગીતથી વડાપ્રધાનનું સ્વાગત કરાયું હતું. ગુજરાતના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાને રૂ. 32,606 કરોડનાં વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું.
જેન-ઝી વડાપ્રધાન પર આફરીન
આ દરમિયાન મોદી ફેન્સ વિવિધ પ્રકારના પોસ્ટર્સ લઈને આવ્યા હતા. જેમાં મોદીજી સ્માઈલ પ્લીઝ..મોટિવેશન મિલ જાયેગા... અને આપકા ઓરા હી અલગ હૈ... જેવા વાક્યો લખેલા હતા. મોબાઇલમાં હાર્ટના સિમ્બોલ સાથે મોદીજી લખીને મેસેજ ડિસ્પ્લે કર્યા હતા.
કયાં-કયાં વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
વડાપ્રધાન દ્વારા શહેરી વિકાસ વિભાગના રૂ. 916 કરોડના પ્રોજેક્ટ્સ અને પ્રધાનમંત્રી આવાસ યોજના- ગ્રામીણ અંતર્ગત રાજ્યમાં બનેલા 13,888 આવાસનું લોકાર્પણ કર્યું હતું. આ સાથે જ વડોદરા રિંગરોડના બીજા તબક્કાના રૂ. 523 કરોડના પ્રોજેક્ટ, વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની નવી બિલ્ડિંગ, કડાણા ડેમ પર રૂ. 489 કરોડના 110 મેગાવોટના ફ્લોટિંગ સોલાર પ્રોજેક્ટ અને આણંદના નવા બસસ્ટેશનનું ખાતમુહૂર્ત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, આ 32,606 કરોડનાં વિકાસકાર્યો પૈકી રૂ. 1840 કરોડનાં કાર્યો નેશનલ હાઇવે ઓથોરિટીનાં છે. જે અંતર્ગત નેશનલ હાઇવે-48 પર તાપી અને નર્મદા નદી પર રૂ. 907 કરોડના ખર્ચે પુલ, કામરેજ-ચલથાણ સેક્શનના સિક્સલેન કેરેજ વેનું રૂ. 686 કરોડનું કામ, નેશનલ હાઇવે-53 પર રૂ. 187 કરોડના ખર્ચે ગ્રેડ સેપરેટેડ સ્ટ્રક્ચર્સનું કામ અને નેશનલ હાઇવે-48 પર રૂ. 59 કરોડના ખર્ચે સિક્સલેન ફ્લાયઓવરનું કામ સામેલ છે.
‘ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી’
વડાપ્રધાને કહ્યું કે, શિક્ષણ પણ બદલાઈ રહ્યું છે. હાલમાં ડિગ્રી સાથે સ્કિલ પણ જરૂરી છે. આજે શિક્ષણનીતિને નવા રૂપમાં ફેરવવામાં આવી રહી છે. મેં લાલ કિલ્લાથી બે ઘોષણા કરી હતી, જેમાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઓનલાઇન ફ્રી કોચિંગ આપવાની દિશામાં કામ ચાલી રહ્યું છે. ભારતના યુવાનોએ AIમાં પારંગત થવું જરૂરી છે. AIના માધ્યમથી અનેક ક્ષેત્રમાં કામ થઈ શકે છે. સરકાર યુવાનો માટે નવું અભિયાન શરૂ કરવા જઈ રહી છે. ભારતને 2047 સુધીમાં વિકસિત બનાવીને જ રહેવાનું છે.
‘હવે વડોદરાને ગંદું થવા જ નથી દેવું’
મોદીએ કહ્યું, મારું એક કામ કરશો? વડોદરાને આટલું સ્વચ્છ બનાવી દીધું, પણ હવે વડોદરાને ગંદું થવા જ નથી દેવું, હું પોતે ગંદકી નહીં કરું તેવો સંકલ્પ કરીએ. ધન્યવાદ, ભારત માતા કી જય અને વંદે માતરમના નારા સાથે PMએ સંબોધન પૂર્ણ કર્યું.
નારાજ ફુઆ ફરી બૂમો પાડશેઃ મોદી
મોદીએ GEN-Zને સંબોધન કરતાં વિપક્ષી નેતાઓ પર કટાક્ષ કરતાં કહ્યું, નારાજ ફુઆ છે તે બૂમો પાડશે. કેન્દ્રની ભાજપ સરકારે 2014થી અત્યાર સુધી 50,000 આધુનિક રેલવે કોચ બનાવ્યા. જૂની સરકાર 10 વર્ષમાં 50 હજાર ટોઇલેટ પણ બનાવી શકતી નહોતી.
આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો
વડોદરા ગતિશક્તિ યુનિવર્સિટીનું શહેર છે. આજે ફ્રેઇટ કોરિડોરની અંતિમ કડીઓ જોડાઈ ગઈ છે. આજે 2800 કરોડનો પ્રોજેક્ટ પૂરો થયો. આ કોરિડોર એ વાતનું સાક્ષી છે કે વિતેલા 12 વર્ષમાં દેશની કામ કરવાની પદ્ધતિ કેવી રીતે બદલાઈ છે. આ કોરિડોર માટે 2004માં વિચાર શરૂ થયો હતો, એટલે કે ત્યારે કદાચ અહીં બેઠેલા પૈકી કેટલાકનો જન્મ પણ નહીં થયો હોય. 2006માં કંપની બની અને બાદમાં 2014 સુધી ફાઇલો એક ટેબલથી બીજા ટેબલ ફરતી રહી.
‘2500 કિમીનાં કામ પૂર્ણ કરી બતાવ્યાં’
2014માં વડોદરાના લોકોએ મને દિલ્હી મોકલ્યો. 7-8 વર્ષમાં એક કિ.મી. ફ્રેઇટ કોરિડોર પર કામ ન થયું. અગાઉની સરકાર મુજબ દેશ ચલાવતાં તો ત્રણ-ચાર પેઢી નીકળી જાત. 2014 બાદ મેં અહીંથી હું જે ભણીને ગયો હતો ત્યાં પહોંચીને એ કામને ગતિ આપવાનું શરૂ કર્યું. 2500 કિ.મી.નાં કામ આજે પૂર્ણ કરી બતાવ્યાં છે. આ ફ્રેઇટ કોરિડોર દેશના વેપારનો મુખ્ય આધાર બની રહ્યો છે. આ કોરિડોર વિકસિત ભારતની જીવનરેખા છે. આના થકી ટ્રાન્સપોર્ટેશન સેક્ટરની કાયાકલ્પ થઈ છે. અગાઉની સરકારમાં આ પ્રાથમિક જરૂરિયાતો માટે લાંબી રાહ જોવી પડી હોત.

