સુરતઃ રક્ષાબંધનના તહેવારમાં ડાયમંડ સિટી સુરતના જ્વેલરી બજારમાં રિયલ ડાયમંડ અને સોના-ચાંદીની રાખડીઓની ભારે ડિમાન્ડ જોવા મળી. હાલ સોનાના ભાવ આસમાને હોવા છતાં સુરતી બહેનો ભાઈ માટે પ્રેમ અને રોકાણ બંને પાસાંને ધ્યાને રાખીને જ્વેલરી રાખડીની પસંદગી કરી રહી છે.
સુરતના માર્કેટમાં રૂ. 500થી લઈ રૂ. 5 લાખ અને પ્રીમિયમ કેટેગરીમાં રૂ. 7 લાખ સુધીની રિયલ ડાયમંડ રાખડી જોવા મળી. આ ઉપરાંત લેબગ્રોન ડાયમંડ, અમેરિકન ડાયમંડ અને કસ્ટમાઇઝ્ડ ગોલ્ડ-સિલ્વર ડિઝાઇનનું વિશાળ કલેક્શન ગ્રાહકો માટે રજૂ કરાયું છે. આ વર્ષે માર્કેટમાં સૌથી વધુ માગ 2 ઇન 1 યુટિલિટી ધરાવતી રાખડીઓ જોવા મળી. આ એવી રાખડી છે, જે રક્ષાબંધનના દિવસે હાથમાં બાંધી શકાય અને તહેવાર પૂર્ણ થયા બાદ ભાઈ તેને ગળામાં પેન્ડન્ટ તરીકે ધારણ કરી શકે છે.
આ ઉપરાંત માત્ર 2થી 3 ગ્રામ સોનામાં તૈયાર થયેલી બ્રેસલેટ લૂકવાળી રાખડી પણ ખૂબ ટ્રેન્ડમાં રહી. આ બ્રેસલેટ રાખડીમાં વચ્ચે ગોલ્ડ કે ડાયમંડ પીસ હોય છે અને આસપાસ બ્રેસલેટ જેવો ભવ્ય લૂક અપાય છે, જેને ભવિષ્યમાં પણ કાયમી ધોરણે હાથમાં પહેરી શકાય છે. માર્કેટમાં આધ્યાત્મિક પ્રતીકો ધરાવતી રાખડીઓનું ચલણ સૌથી વધારે છે. જેમાં ‘શ્રી’, ‘સ્વસ્તિક’, ‘ઓમ’ અને અસલી રુદ્રાક્ષ વર્કવાળી પેન્ડન્ટ રાખડીઓનું સૌથી વધુ વેચાણ થયું.

