ન્યૂયોર્કઃ અમેરિકાના કુખ્યાત સેક્સ ઓફેન્ડર જેફ્રી એપસ્ટીન સાથે સંકળાયેલા કેસોમાં દસ્તાવેજ જાહેર કરાયા છે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ આવ્યું હોવાનો કોંગ્રેસ નેતા પવન ખેરાએ આક્ષેપ કરતાં હોબાળો મચી ગયો છે.
બીજીબાજુ કેન્દ્ર સરકારે જેફ્રી એપસ્ટીન સંબંધિત તપાસ ફાઇલોમાં પીએમ મોદીના રેફરન્સને ફગાવી દીધો છે. સરકારે કહ્યું, આ દાવામાં માત્ર જુલાઈ 2017ની પીએમ મોદીની ઇઝરાયલ યાત્રા સિવાય બધું જ એક દોષિત ગુનેગારની કપોળ કલ્પના છે. સરકારે કોંગ્રેસના આક્ષેપોને નિરાધાર અને ટીકાપાત્ર ગણાવ્યા છે.
શુક્રવારે જાહેર થયેલા જેફ્રી એપસ્ટીનના દસ્તાવેજોમાં પીએમ મોદીના ઉલ્લેખને કોંગ્રેસે શરમજનક બાબત ગણાવી છે. પવન ખેરાએ કહ્યું કે, એપસ્ટીન ફાઇલ્સના એક દસ્તાવેજમાં અમેરિકાના જાતીય ગુનેગાર એપસ્ટીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેની સલાહ લીધી હોવાનો અને ઇઝરાયેલમાં અમેરિકન પ્રમુખના ફાયદા માટે ડાન્સ કરી ગીત ગાયું હોવાનો આરોપ કર્યો હતો. પવન ખેરાએ સવાલ કર્યો કે પીએમ મોદી શા માટે તેની સલાહ લઈ રહ્યા હતા?

