કચ્છનું છારીઢંઢ પક્ષી અભયારણ્ય હવે ‘રામસર સાઈટ’

Wednesday 04th February 2026 05:40 EST
 
 

ગાંધીનગરઃ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે ગુજરાતને વધુ એક સિદ્ધિ મળી છે. કચ્છના બન્નીના છારી-ઢંઢ પક્ષી અભયારણ્યને વેટલેન્ડ સાઇટ એટલે કે રામસર સાઇટનો દરજ્જો અપાયો છે. તે સાથે છારીઢંઢ ગુજરાતનું પાંચમું અને કચ્છનું પ્રથમ આંતરરાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતું વેટલેન્ડ બન્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું કે, છારીઢંઢ પક્ષી અભયારણ્યને રામસર સાઇટનો દરજ્જો મળવાથી પર્યાવરણ સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા, સ્થાનિક વિકાસ-રોજગારી અને વૈશ્વિક ઓળખ સહિતનાં ક્ષેત્રોમાં નોંધપાત્ર પરિવર્તન આવશે. દેશના કુલ વેટલેન્ડ ક્ષેત્રફળના 21 ટકા કરતાં વધુ હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતના વેટલેન્ડ્સ અંદાજે 3.5 મિલિયન હેક્ટરમાં ફેલાયેલા છે, જે રાજ્યના કુલ ભૌગોલિક વિસ્તારના 17.8 ટકા જેટલો ભાગ ધરાવે છે. કચ્છના ગૌરવસમાન અને ઇકો-ટૂરિઝમ તેમજ પર્યાવરણ સંરક્ષણ ક્ષેત્રે આ સિદ્ધિને સુવર્ણ અધ્યાય ગણાવતાં મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, રામસર સાઈટ તરીકે જાહેર કરાતા છારીઢંઢ વેટલેન્ડનું સંરક્ષણ સુનિશ્ચિત થશે. દુર્લભ તથા લુપ્તપ્રાય પ્રજાતિઓના સંરક્ષણ માટે વિશેષ પગલાં લેવામાં આવશે.


comments powered by Disqus