કેન્દ્રીય બજેટમાં ગુજરાતને રેલવે માટે રૂ. 17,366 કરોડ ફાળવાયા

Tuesday 03rd February 2026 05:40 EST
 
 

ગાંધીનગરઃ કેન્દ્ર સરકારે વર્ષ 2026-27 માટે રૂ. 53.5 લાખ કરોડનું બજેટ રજૂ કર્યું છે જેમાં ગુજરાતને ગત વર્ષ કરતાં રૂ. 211 કરોડ વધુ મળીને કુલ રૂ.17,366 કરોડની રકમ ફાળવાઈ છે, જેનો ઉપયોગ આગામી સમયમાં નવા સ્ટેશનો, નવા ટ્રેકો અને માળખાકીય સુવિધા વધારવા પાછળ કરાશે. જે અંતર્ગત અમૃત ભારત રેલવે પરિયોજના હેઠળ ગુજરાતમાં સ્ટેશનોને વિકસિત કરવા તેમજ નવા ટ્રેક અને માળખાકીય સુવિધામાં વધારો કરાશે.
યાત્રીઓની કનેક્ટિવિટી વધી
અમૃત સ્ટેશન યોજના હેઠળ રાજ્યનાં 87 સ્ટેશનોના પુનઃ નિર્માણની કામગીરી કરાઈ રહી છે. આ ઉપરાંત આધુનિક ટ્રેન સેવા તરીકે ગુજરાતમાં 5 જોડી વંદે ભારત એક્સપ્રેસ, 1 જોડી અમૃત ભારત એક્સપ્રેસ અને 1 જોડી નમો ભારત એક્સપ્રેસ ચલાવાતાં યાત્રીઓની સુવિધા અને કનેક્ટિવિટી વધી છે.
ચિકિત્સા પદ્ધતિમાં આમુલ પરિવર્તન
વિશ્વ આરોગ્ય સંસ્થા- WHOએ જામનગર ખાતે ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસિન સેન્ટરની સ્થાપના કરી છે, જેને વધુ અપગ્રેડ કરવા કેન્દ્રીય નાણામંત્રીએ બજેટમાં જાહેરાત કરી છે. આ ઉપરાંત મહિલાઓને વધુ સશક્ત કરવાનો નિર્ધાર જાહેર કરી દરેક જિલ્લામાં એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવા, જામનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટરને વિકસાવાશે.
સાંસ્કૃતિક ધરોહરો માટે ખાસ આયોજન
5000 વર્ષ જૂની માનવ સભ્યતા લોથલ અને ધોળાવીરાને સાંસ્કૃતિક ધરોહર તરીકે વિકસાવવા, સુરતમાં ટેક્સટાઇલ યુનિવર્સિટી તેમજ સુરતને દક્ષિણ-પૂર્વમાં છેક દાનકુ સાથે જોડતા કાર્ગો ફ્રેઇટ કોરિડોરની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ 15 પુરાતત્ત્વીય સ્થળોને જીવંત, અનુભવી સાંસ્કૃતિક સ્થળો તરીકે વિકસાવવા પ્રસ્તાવ મૂક્યો હતો.
કોમનવેલ્થ-ઓલિમ્પિક લક્ષ્ય
કોમનવેલ્થ ગેમ્સ તેમજ 2036ના ઓલિમ્પિક્સને અનુલક્ષીને આગામી દશકા માટે કેન્દ્ર સરકારે ‘ખેલો ઇન્ડિયા મિશન’ની જાહેરાત કરી છે. એમાં રમતગમતના સામાન માટે ઉત્પાદન, સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા એક ખાસ પહેલનો પ્રસ્તાવ કરાયો છે. જેનાથી ઉચ્ચ ગુણવત્તાવાળા તથા સસ્તા રમતગમતનાં સાધનો માટે વૈશ્વિક કેન્દ્ર બનવાની ક્ષમતાન મજબૂત બનાવશે.
7 સિટીમાં ઇકોનોમિક રિજિયન રચાશે
સરકાર શહેરી વિકાસ મજબૂત બનાવવા દેશનાં 7 સિટી ઇકોનોમિક રિજયન્સ (સીઇઆર)ની રચના કરશે, જેમાં સુરતનો પણ સમાવેશ કરાયો છે. જેના માટે પ્રતિ વર્ષ રૂ. 5 હજાર કરોડની ફાળવણી કરાશે. આ આયોજનોનો યુદ્ધના ધોરણે અમલ કરવામાં આવશે. નાણામંત્રીએ કહ્યું કે, આ બજેટનું ધ્યેય શહેરોને આર્થિક પાવરહાઉસ બનાવવાનું છે.
જળ-જમીન સુરક્ષા માટે રૂ. 5266 કરોડ
બજેટમાં ગુજરાત સહિતનાં રાજ્યોની પોલીસને વધુ આધુનિક બનાવવા રૂ. 4061 કરોડ ફાળવવા નિર્ણય કરાયો છે. આ નાણાંથી પાકિસ્તાનને સ્પર્શતી જળ-જમીન સરહદે સુરક્ષા મજબૂત બનાવાશે. આ ઉપરાંત એન્ટિ નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, ફોરેન્સિક સાયન્સને આધુનિક બનાવવા મોટો ખર્ચ કરાશે.
વિદેશનું રોકાણો જાહેર કરી ટેક્સ ભરી શકાશે
‘સ્વિસ બેન્કમાં દેશના મોટા માણસોનું કરોડોનું કાળું નાણું પડ્યું હોવાની ચર્ચા વર્ષોથી થઈ રહી છે. જો કે તેની કોઈ ચોક્કસ વિગતો સામે આવી નથી. કેટલાંક વર્ષોમાં દેશના કેટલાક ધનિક નાગરિકો દ્વારા વિવિધ દેશોમાં મિલકતો ખરીદીને કે હવાલાથી કરોડો રૂપિયાનાં રોકાણ કરાયાં છે, જેની વિગતો સરકારના ધ્યાનમાં આવી છે. હવે આ વિદેશી મિલકતો અને રોકાણો તેઓ ઇચ્છે તો ચોક્કસ ટેક્સ ભરી કાયદેસરની બનાવી શકે તેવી ખાસ જોગવાઈ બજેટમાં કરાઇ છે.


comments powered by Disqus