કેન્સરગ્રસ્ત વૃદ્ધ દંપતીને 28 દિવસ ડિજિટલ એરેસ્ટ કરી રૂ. 1.07 કરોડની ઠગાઈ

Wednesday 04th February 2026 05:39 EST
 

ગાંધીધામઃ સેક્ટર-5માં રહેતા અને કેન્સરની બીમારી સામે ઝઝૂમી રહેલા એક વૃદ્ધ દંપતીને મની લોન્ડરિંગના કેસમાં ફસાવવાની ધમકી આપી રૂ. 1.07 કરોડથી વધુ ઠગી લેવાયા. ઠગોએ વૃદ્ધને સતત 28 દિવસ ‘ડિજિટલ એરેસ્ટ’ રાખ્યા હતા. મુંબઈ ક્રાઇમબ્રાન્ચ અને CBIના અધિકારીની ખોટી ઓળખ આપી ઠગોએ વૃદ્ધ દંપતી પાસેથી કટકે-કટકે રૂ. 1.07 કરોડથી વધુ રકમ પડાવી લીધી હોવાની ફરિયાદ નોંધવામાં આવી છે.
ફરિયાદી રોમી ડેનિયલ ક્રિશ્ચિયનના જણાવ્યા મુજબ તેમનાં માતા મરિયમબહેનને એક મહિલાએ અજાણ્યા નંબરથી કોલ કરી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચમાંથી બોલતી હોવાની ખોટી ઓળખ આપી હતી. આ સાથે તેણે કહ્યું કે, તેમના પતિ ડેનિયલ મિંજના નામે મુંબઈમાં સિમકાર્ડ નીકળ્યું છે, જેના દ્વારા અશ્લીલ ફોટો અને વીડિયો મોકલાય છે. જેટ એરવેઝના માલિક નરેશ ગોયલના મની લોન્ડરિંગ કેસમાં પણ તેમનું નામ હોવાનું કહી ડરાવી ધમકી આપી હતી કે, “જો તમે કોઈને આ વાત કરશો તો તમારાં બાળકોની પણ ધરપકડ થશે.”
ગભરાઈ ગયેલાં વૃદ્ધ દંપતીએ 2 જાન્યુઆરીથી 28 જાન્યુઆરી વચ્ચે વિવિધ બેન્ક એકાઉન્ટમાં કુલ રૂ. 1.07 કરોડથી વધુ રકમ ટ્રાન્સફર કરી હતી. ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક રૂ. 53.10 લાખ અને ત્યારબાદ રૂ. 44.74 લાખની રકમ ફ્રિઝ કરાવવાની તજવીજ હાથ ધરી હતી.


comments powered by Disqus