અમદાવાદઃ ગુજરાતમાં મેડિકલ સુવિધાઓ વિકસી રહી છે. દુબઈ હેલ્થકેર સિટી પ્રોજેક્ટની તર્જ પર રાજ્ય સરકારે ગુજરાતને મેડિકલ સુવિધાઓના હબ તરીકે વિકસાવવાના હેતુથી કડી-કલોલ પાસે આંતરારાષ્ટ્રીય સ્તરની મેડિસિટી સ્થાપવાની દરખાસ્ત રજૂ કરી છે. રાજ્ય સરકાર આ સુવિધા ઉભી કરવા માટે આશરે રૂ. 13 કરોડનો ખર્ચ કરશે. જેમાં હાઇ-ટેક હોસ્પિટલો, રિસર્ચ સેન્ટર્સ, મેડિકલ કોલેજ, વેલનેસ સેન્ટર અને અન્ય સેવાઓનો સમાવેશ કરવામાં આવશે.
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂપ્રિન્ટ તૈયાર કર્યા બાદ રાજ્ય સરકાર કડી અથવા કલોલ પાસે જમીનની શોધ કરી રહી છે. સૂત્રો મુજબ આ પ્રોજેક્ટમાં ‘જોઈન્ટ કમિશન ઈન્ટરનેશનલ’ દ્વારા માન્યતા પ્રાપ્ત હોસ્પિટલો હશે.
સૂત્રો મુજબ આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ તબીબી સારવાર, રિહેબિલિટેશન, કેર ઇકોનોમી અને ફાર્મા-બાયોટેક ક્ષેત્રો માટે કેન્દ્રીય હબ વિકસાવવાનો છે. આ પ્રોજેક્ટને ‘મેડિકલ વેલ્યૂ ટ્રાવેલ’ બોર્ડ દ્વારા અમલમાં મુકાઈ શકે છે, જેમાં રાજ્યના આરોગ્ય અને પ્રવાસન વિભાગના પ્રતિનિધિઓ સામેલ હશે. સૂત્રોએ જણાવ્યું કે, કલોલ-કડી આ પ્રોજેક્ટ માટે અનુકૂળ છે, કારણ કે અહીં પહેલેથી જ મેડિકલ અને નર્સિંગ કોલેજો આવેલી છે. ઉપરાંત અહીં પ્રતિષ્ઠિત હોસ્પિટલો અને હેલ્થકેર બ્રાન્ડ્સ કાર્યરત છે.

