ગાંધીનગરઃ ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલે વિશ્વકર્મા જયંતીના અવસરે રાજ્યભરના નાગરિકોને શુભેચ્છા પાઠવતાં જણાવ્યું હતું કે, વેદોમાં કહેવાયું છે કે, સમગ્ર સંસારની રચના અથવા તેના સાથે સંકળાયેલું નિર્માણ જે કરે તેને વિશ્વકર્મા કહેવામાં આવે છે. મહા સુદ તેરસના દિવસે ભગવાન વિશ્વકર્મા પ્રભુની જન્મજયંતી ઊજવાય છે. જેમ વિશ્વના સર્જનહાર બ્રહ્માજી દ્વારા 4 વેદ પ્રગટ થયા, તેવી જ રીતે બ્રહ્માજીના માનસપુત્ર ભગવાન વિશ્વકર્મા દ્વારા સ્થાપત્ય દેવની રચના થઈ. ભગવાન વિશ્વકર્મા દેવતાઓમાં શિલ્પકાર તરીકે ઓળખાય છે. વિશ્વકર્મા સમાજના પ્રત્યેક નાગરિકોને ગર્વ છે કે, આપણે સૌ વિશ્વકર્માજીના પુત્રો છીએ. ભગવાન વિશ્વકર્માનું હિન્દુ ધર્મમાં વિશિષ્ટ સ્થાન છે.
જગદીશ વિશ્વકર્માએ ઉમેર્યું કે, દેવી-દેવતાઓના ભવન, મહેલ, રથ અને હથિયારોનું નિર્માણ ભગવાન વિશ્વકર્માએ કર્યું હતું, જેનો ઉલ્લેખ પુરાણોમાં જોવા મળે છે. ભગવાન વિશ્વકર્માએ અનેક રચના કરી છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણની દ્વારકા નગરી, પાંડવો માટે ઇન્દ્રપ્રસ્થ અને હસ્તિનાપુર તેમજ લંકાનું નિર્માણ પણ ભગવાન વિશ્વકર્મા દ્વારા થયું હોવાનું શાસ્ત્રોમાં વર્ણન છે.

